ખાડા ખોદવાના પાલિકાના 569 કરોડનાં ટેન્ડરોમાં કૉન્ટ્રેક્ટરોની મિલિભગતનો આક્ષેપ

ખાડા ખોદવાના પાલિકાના 569 કરોડનાં ટેન્ડરોમાં કૉન્ટ્રેક્ટરોની મિલિભગતનો આક્ષેપ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 27 : આ મહિનાની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા 569 કરોડના સાત યુટિલીટી ટ્રેન્ચિગ (પાઈપ અને કેબલ માટે ખાડા ખોદવાના) ટેન્ડરો ભરવામાં અમુક કૉન્ટ્રેક્ટરોએ ટોળકી બનાવી હોવાની ફરિયાદને પગલે મુંબઈ પાલિકાએ વિજિલન્સ વિભાગ મારફતે એની તપાસનો આદેશ આપ્યો છે. વિજિલન્સ વિભાગ તપાસનો વિગતવાર રિપોર્ટ ન આપે ત્યાં સુધી આ ટેન્ડરોની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. 
ગયા અઠવાડિયે ભાજપના નગરસેવક વિનોદ મિશ્રાએ એવો આક્ષેપ કર્યો હતો કે યુટિલીટી ટ્રેન્ચિગના ટેન્ડરોમાંની ગેરરીતિઓને કારણે પાલિકાને 188 કરોડનું નુકસાન થયું છે. પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને મેયર કિશોરી પેડણેકરને કરેલી ફરિયાદમાં વિનોદ મિશ્રાએ નવ કૉન્ટ્રેકટરોના નામ પણ આપ્યા હતા જેમને આ કૉન્ટ્રેક્ટ મળવાનો છે. જે દરે આ કૉન્ટ્રેક્ટ તેમને મળવાનો છે એ દરની મેં આગાહી પણ કરેલી અને એ સાચી પડી છે. 
પાલિકાના ટોચના અધિકારીએ કહ્યું હતું કે અમે ટેન્ડરની ફાઈલ તપાસ માટે વિજિલન્સ વિભાગને મોકલાવી છે. કૉન્ટ્રેક્ટરોએ ટેન્ડર ભરવામાં ટોળકી બનાવેલી કે કેમ એની પણ તપાસ થશે. એકવાર તપાસ રિપોર્ટ અમારા હાથમાં આવી જાય એ બાદ શું પગલાં લેવા એનો નિર્ણય કરીશું, ગેરરીતિ તો પાલિકા ચલાવી નહીં લે. 
નગરસેવક વિનોદ મિશ્રાએ એવો આક્ષેપ કર્યો હતો કે ઍસ્ફાલ્ટ અને માસ્ટિક-મિક્સ પ્લાન્ટના માલિકોએ સંપીને ટેન્ડર ભરવામાં ગેરરીતિ આચરી છે. ટેન્ડરો ખોલવામાં આવ્યા એ પહેલા કોને ટેન્ડર મળવાનું છે એ નક્કી થઈ ગયું હતું અને એ નામોની યાદી પાલિકાને આપી હતી. 
ભાજપના વિધાનસભ્ય મિહિર કોટેચાએ કહ્યું હતું કે પાલિકા ટેન્ડર કેન્સલ નહીં કરે તો ભાજપ મુંબઈ હાઈકોર્ટમાં જશે. બે ફિક્સરો અને વિલેપાર્લેની હૉટેલના એક ડીજેએ ટેન્ડરોમા ગેરરીતિ આચરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer