સ્પિન જાળમાં કિવી સપડાયા : કાનપુર ટેસ્ટમાં ભારતને 63 રનની લીડ

સ્પિન જાળમાં કિવી સપડાયા : કાનપુર ટેસ્ટમાં ભારતને 63 રનની લીડ
ન્યૂ ઝીલૅન્ડનો પ્રથમ દાવમાં 296 રનમાં સંકેલો
કાનપુર, તા.27: અક્ષર પટેલની આગેવાનીમાં સ્પિનરોના સહારે ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં ન્યુઝિલેન્ડ સામે શિકંજો કસવાની શરૂઆત કરી દીધી છે. આજે મેચના ત્રીજા દિવસે ભારત 63 રને આગળ થયું છે અને 9 વિકેટ હાથમાં છે. ગ્રીનપાર્ક સ્ટેડિયમની પીચ હવે વધુ ટર્નિંગ બની છે. આથી જો ભારત 300 આસપાસનો વિજય લક્ષ્યાંક આપવામાં સફળ રહેશે તો ન્યુઝિલેન્ડ માટે કાનપુર ટેસ્ટ બચાવવો કઠિન બની જશે. આવતીકાલ રવિવાર મેચનો ચોથો દિવસ નિર્ણાયક બની રહેશે. કોહલી-રોહિતની ગેરહાજરીમાં કપ્તાન રહાણે અને પુજારા સહિતના ભારતીય બેટધરોએ મોટો સ્કોર કરીને ન્યુઝિલેન્ડને ભીંસમાં લેવું પડશે. મંયર 4 અને ચેતેશ્વર 9 રને અણનમ રહ્યા હતા.
લેગ સ્પિનર અક્ષર પટેલની પાંચ વિકેટથી આજે કિવિઝ ટીમનો પહેલો દાવ 296 રને સમાપ્ત થયો હતો. આથી ભારતને 49 રનની પાતળી, પણ મહત્ત્વની સરસાઈ મળી હતી. બાદમાં આજની દિવસની રમતના અંતે શુભમન ગિલની વિકેટ ગુમાવીને ભારતે 1 વિકેટે 14 રન કર્યા હતા. આથી 63 રને આગળ થયું છે. શુભમન ગિલ 1 રને જેમિસનના દડામાં બોલ્ડ થયો હતો.
આજે મેચની ત્રીજા દિવસે સવારે ન્યુઝિલેન્ડ એક સમયે વિના વિકેટે 151 રન થયા હતા. આ પછી કિવિ ટીમ ભારતની સ્પિન જાળમાં ફસાઈને વધુ માત્ર 145 રનનો ઉમેરો કરીને તમામ 10 વિકેટ ગુમાવી દીધી હતી. આથી ન્યુઝિલેન્ડના પહેલા દાવનો 296 રનમાં સંકેલો થઈ ગયો હતો. અક્ષર પટેલે 62 રનમાં પ વિકેટ લીધી હતી. જયારે અશ્વિનને 3 વિકેટ મળી હતી. રવીન્દ્ર અને ઉમેશને 1-1 વિકેટ મળી હતી. ન્યુઝિલેન્ડ તરફથી ટોમ લાથમ પાંચ રને સદી ચૂકી ગયો હતો. તે અક્ષર પટેલના દડામાં સ્ટમ્પ આઉટ થયો હતો. તેણે 282 દડામાં 10 ચોકકાથી 95 રનની ઇનિંગ રમી હતી જ્યારે વિલ યંગે 214 દડામાં 15 ચોક્કાથી 89 રન કર્યા હતા. બાકીના તમામ કિવિ બેટધરો નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન વિલિયમ્સન 18 અને અનુભવી રોસ ટેલર 11 રને આઉટ થયા હતા. પૂંછડિયા જેમિસને 23 રન કર્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer