સિંધુ ફરી સેમિ ફાઇનલમાં હારી

સિંધુ ફરી સેમિ ફાઇનલમાં હારી
ઇન્ડોનેશિયા ઓપનમાં થાઇ ખેલાડી સામે પરાજિત
બાલી, તા.27: ભારતની બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સ્ટાર શટલર પીવી સિંધુ ફરી એકવાર સેમિ ફાઇનલની બાધા પાર કરી શકી નથી. ઇન્ડોનેશિયા ઓપન સુપર-1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પીવી સિંધુનો થાઇલેન્ડની અનુભવી ખેલાડી રેચાનોક ઇંતાનોક સામે પરાજય થયો છે. થાઇ ખેલાડીએ 54 મિનિટની રમતમાં સિંધુને 15-21, 21-9 અને 21-14થી હાર આપી હતી. સિંધુની સેમિમાં આ સતત ત્રીજી હાર છે. તે ગત સપ્તાહે ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં અને ઓકટોબરમાં ફ્રેંચ ઓપનમાં પણ સેમિ ફાઇનલથી આગળ વધી શકી ન હતી. ટોક્યો ઓલિમ્પિકમાં પણ તેણી સેમિ ફાઇનલમાં હારી ગઇ હતી. બાદમાં કાંસ્ય ચંદ્રકના મુકાબલામાં જીત મેળવી હતી. સિંધુ છેલ્લે સ્વીસ ઓપનના ફાઇનલમાં પહોંચી હતી. સાતમા ક્રમની સિંધુનો રેચાનોક વિરૂધ્ધ આ મેચ પહેલા 4-6નો રેકોર્ડ હતો. તે પાછલા બન્ને મુકાબલા હારી છે. ખાસ વાત એ રહી હતી કે આજે સિંધુએ પહેલી ગેમ આસાનીથી જીત લીધી હતી, પણ બાદમાં તે ભુલો કરી બેઠી હતી. જેનો ફાયદો લઇને થાઇ ખેલાડીએ જીત સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer