ભાજપ 400 નગરસેવકોને ગુજરાત-કર્ણાટક મોકલશે

વિધાન પરિષદની ચૂંટણીમાં હોર્સટ્રેડિંગ અટકાવવા
નાગપુર, તા. 27 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં પોતાના નગરસેવકો, કાઉન્સિલરો અને જિલ્લા પરિષદના સભ્યો હૉર્સટ્રેડિંગનો શિકાર ન બને તે માટે ભાજપે પોતાના 400 જેટલા ચૂંટાયેલા અને નિયુક્ત થયેલા પ્રતિનિધિઓને ગુપ્ત સ્થળે મોકલવાનું નક્કી ર્ક્યું હોવાનું જાણવા મળે છે. તેમની દરેક હિલચાલ પર નજર રાખી શકાય તે માટે તેમને ભાજપશાસિત રાજ્યોમાં મોકલવામાં આવે એવી શક્યતા છે.
બુધવારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની અધ્યક્ષતા હેઠળ નગરસેવકો અને ભાજપના ટોચના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. મહિલાઓ અને તેમના બાળકોને કર્ણાટક તથા પુરુષોને ગુજરાત મોકલવાના સૂચન કરાયા છે. તેમનામાંથી કોઈને પણ બે અઠવાડિયાં સુધી એટલે કે 10મી ડિસેમ્બરે વિધાન પરિષદની ચૂંટણી યોજાય ત્યાં સુધી તેમના મોબાઈલ ફોન લઈ જવા નહીં દેવાય. આ તમામને તેમની બેગ તૈયાર રાખવાનું જણાવાયું છે તથા પરિવારજનોને આ બે અઠવાડિયાંની 'પિકનિક'થી માહિતગાર કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સભ્યોને જ્યાં રાખવામાં આવશે ત્યાં કડક સુરક્ષા રાખવામાં આવશે જેથી બહારની કોઇ વ્યક્તિ તેમનો સંપર્ક નહીં કરી શકે એવું પણ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer