બેંગલુરુ-પટણા ફલાઈટનું નાગપુર ખાતે તાકીદનું ઉતરાણ

નાગપુર, તા. 27 (પીટીઆઈ) : 139 પ્રવાસીઓને બેંગલુરુથી પટણા લઈ જતી ગો ઍરની ફલાઈટના એક એન્જિનમાં ખામી સર્જાતા તેને શનિવારે નાગપુર ઍરપોર્ટ પર તાકીદનું ઉતરાણ કરવું પડયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ફલાઈટે સવારે 11.15 કલાકે નાગપુર ઍરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ કર્યું હતું.
ગો ઍરની આ ફલાઈટના પાયલટે નાગપુર એટીસીનો સંપર્ક સાધ્યો હતો અને એવી માહિતી આપી હતી કે તેના એક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. તેણે ઈમર્જન્સી લેન્ડિંગ (તાકીદના ઉતરાણ) માટે વિનંતી કરી હતી, એમ ઍરપોર્ટના ડાયરેકટર આબીદ રુહીએ જણાવ્યું હતું. ક્રુ સિવાય આ ફલાઈટમાં 139 પ્રવાસીઓ હતા. તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer