પુણેના કાન્હે ગામ નજીક મિની ટ્રકની ટક્કર વાગતાં 15 વારકરી ઘાયલ

પુણે, તા. 27 (પી.ટી.આઈ) : પગપાળા  જઈ રહેલા અંદાજે 15 વારકરી  (ભગવાન વિઠ્ઠલના ભક્તો)ને પુણે જિલ્લામાં આવેલા કાન્હે ગામ નજીક એક મિની ટ્રકે ટક્કર મારતા તેઓ ઘાયલ થયા હતા. આ અકસ્માત શનિવારે વહેલી સવારે થયો હતો.
આ યાત્રાળુઓ પુણેથી 25 કિલોમીટર દૂર આવેલા અલંદી નગરમાં આવેલા મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે છ વાગે આ અકસ્માત થયો હતો. આ ભક્તોનો એક સમૂહ રાયગઢ જિલ્લામાંથી આવી રહ્યો હતો. આ લોકો જ્યારે મુંબઈ-પુણે હાઈવે પર સાટે ફાટા નજીક પહોંચ્યા, ત્યારે મિની ટ્રકે તેમને ટક્કર મારી હતી. જેમાંના 15 વારકરી ઈજા પામ્યા હતા એમ વાડગાંવ મવાલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વિલાસ ભોસલેએ જણાવ્યું હતું.
ઈજા પામેલા તમામને જુદી જુદી હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. મિની ટ્રકના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી હતી અને આ અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer