થાણે-બોરીવલી ટ્વિન ટનલનું કામ ફાસ્ટટ્રેક પર

મુંબઈ, તા. 27 : થાણે-બોરીવલી ટ્વિન ટનલ (ભૂમિગત માર્ગ)નું કામ હવે ફાસ્ટટ્રેક પર આવ્યું છે. આ કામ માટે 24 એકર જમીનની જરૂર પડશે અને એનું આરક્ષણ બદલવાની મંજૂરી મળી ગઈ છે. હવે આ પ્રોજેક્ટ માટે વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યાં છે અને એ માટે 30 દિવસની મુદત આપવામાં આવી છે. સુનાવણી બાદ એનો અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. વિકાસ યોજનામાં જરૂરી ફેરફાર પછી જમીન સંપાદનનું કામ શરૂ થશે. 11.80 કિલોમીટરની ટ્વિન ટનલને લીધે શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા હળવી થશે. આ મહત્વાકાંક્ષી યોજના માટે વનવિભાગની પરવાનગી મેળવવાની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં આવી હોવાથી વહેલી તકે પ્રત્યક્ષ કામની શરૂઆત થશે.
સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની નીચેથી પસાર થતી આ ટનલને લીધે પરિવહન માટે નવો પર્યાય ઉપલબ્ધ થશે. આ માર્ગ થાણે મહાપાલિકા ક્ષેત્રમાં ઘોડબંદર રોડ, ચિતલસર-માનપાડા, બોરિવડે, યેઉર વિસ્તારમાંથી પસાર થશે. આ રસ્તા માટે મ્હાડા હાઉસિંગ સાઈટ, રહેવાસી વિભાગ, બૉટનિકલ તેમજ ઝુલૉજિકલ પાર્ક સહિત ગ્રીન બેલ્ટની 34 હૅક્ટર જમીનનું આરક્ષણ બદલવામાં આવશે. આ અંગેનો પ્રસ્તાવ 20 અૉક્ટોબરે યોજાયેલી મહાસભામાં મંજૂર થઈ ગયો હોવાથી આગામી પ્રક્રિયા હવે સરળ બનશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer