નેપાળ લિપુલેખ, કાલાપાની, લિંપિયાઘુરા પાછા લેશે

ઓલીનું વિવાદી નિવેદન
કાઠમંડુ, તા. 27 : નેપાળના પૂર્વ વડાપ્રધાન અને મુખ્ય વિપક્ષ સીપીએન-યુએમએલના અધ્યક્ષ કે.પી. શર્મા ઓલીએ ભારત સાથે સીમા મુદ્દે તાણ વચ્ચે વિવાદી નિવેદનમાં કહ્યું હતું કે, મારો પક્ષ સત્તા પર આવશે, તો વાતચીત દ્વારા ભારત પાસેથી લિપુલેખ, કાલાપાની અને લિંપિયાઘુરા પાછા લઈશું. ઓલીએ એવો દાવો કર્યો હતો કે, આગામી વર્ષે સામાન્ય ચૂંટણીમાં મારો પક્ષ સૌથી મોટી રાજકીય તાકાત તરીકે ઊભરશે. ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા ઉત્તરાખંડમાં લિપુલેખને ઘારચુલાથી જોડનાર 80 કિ.મી. લાંબો, રણનીતિકરૂપે મહત્ત્વપૂર્ણ માર્ગ ખોલાતાં નેપાળ સાથેના સંબંધોમાં તાણ વધી ગઈ હતી. તે વખતે નેપાળે માર્ગના ઉદ્ઘાટનનો વિરોધ કરતાં એવો પોકળ દાવો કર્યો હતો કે, આ માર્ગ અમારા ક્ષેત્રમાંથી થઈને પસાર થાય છે. નેપાળે લિપુલેખ, કાલાપાની અને લિંપિયાઘુરા એ ત્રણેય ભારતીય ક્ષેત્રોને પોતાના બતાવતો નવો નક્શો જારી કર્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer