26/11ના આતંકી હુમલા : 13 વર્ષ થવા છતાં હજુ ટ્રાયલ ચાલુ

મુંબઈ, તા. 27 : બાર આતંકી હુમલાઓએ 175 લોકોના જીવ લીધાને તેર વર્ષના વહાણાં વાયાં, પરંતુ હજુય નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની અદાલત સમક્ષ આ આતંકી હુમલાના કેસોના ટ્રાયલ ચાલી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાનો હોવાનું કહેવાતા સઇદ ઝબિઉદ્દીન અંસારી ઉર્ફે અબુ જુન્ડાલ, જેના ઉપર 26 નવેમ્બરના આતંકી હુમલાનું કરાચીથી સંકલન કરાયાનો આરોપ  છે, તેના ઉપરના ટ્રાયલ બૉમ્બે હાઇ કોર્ટે 20મી એપ્રિલ, 2018ના રોજ સ્થગિત કર્યા હતા. સેશન્સ કોર્ટના આદેશ સામે દિલ્હી પોલીસની અરજી પેન્ડિંગ હોવાથી હાઈ કોર્ટે કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. નીચલી અદાલતે પોલીસ પાસે આરોપીએ વર્ષ 2012માં સાઉદી અરેબિયાથી દિલ્હી સુધી કરેલા પ્રવાસના દસ્તાવેજો માગ્યા હતા. 
9મી એપ્રિલ, 2018ના રોજ એનઆઈએ અદાલત સમક્ષ જુબાની આપનાર છેલ્લો સાક્ષી હતો. જુન્ડાલનો બાળપણનો મિત્ર. તેણે અદાલતમાં વગાડવામાં આવેલા 28 મિનિટના રેકોર્ડિંગમાં જુન્ડાલનો અવાજ ઓળખી કાઢ્યો હતો. આ વાતચીત પાકિસ્તાનમાં કન્ટ્રોલ રૂમ સાથે કરાયેલી હતી, જેમાં જુન્ડાલ હુમલા દરમિયાન આતંકવાદીઓને સૂચના આપતો હોવાનો આરોપ છે. 
આતંકી હુમલાના મુખ્ય સાક્ષી ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાણીએ ફેબ્રુઆરી, 2016માં હુમલાના માસ્ટરમાઈન્ડ તરીકે જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઇદને લશ્કર-એ-તૈયબાના વડા તરીકે અને તેના મુખ્ય ઓપરેશનલ કમાન્ડર ઝકી-ઉર રહેમાન લખવીનું નામ આપ્યું હતું. હેડલીને મુંબઈ હુમલામાં તેની ભૂમિકા માટે અમેરિકામાં દોષી ઠેરવવામાં આવ્યો છે અને તે અજાણ્યા સ્થળેથી જુબાની આપી રહ્યો હતો. તેણે લશ્કર-એ-તૈયબાને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરીકે જણાવ્યું હતું, જેનું ધ્યેય ભારતીય લશ્કર સામે લડવાનું અને કાશ્મીરના લોકોની મદદ કરવાનું તેમ જ સમગ્ર ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ હાથ ધરવાનું છે, તેમ હેડલીએ જણાવ્યું હતું. 
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું કે 13 વર્ષ પછી પણ પાકિસ્તાને સઇદ અને લખવી સામે કોઈ પગલાં લીધાં નથી. ડેવિડ હેડલી પાસેથી અમે તમામ પુરાવા અને આઈએસઆઈ તેમ જ લશ્કર-એ-તૈયબાના તમામ ઈમેઇલ ઉપરાંત પાકિસ્તાન સુધી જે કંઈ પહોંચાડાયું હતું, તે તમામ એકત્ર કરવા છતાં એ લોકોએ કોઈ પગલાં લીધાં નથી. નિકમે ઉમેર્યું હતું કે અમે તેમને હેડલીની તપાસ કરવા પણ કહ્યું છે, જેથી સઇદ અને લખવી સામે મજબૂત કેસ બની શકે, પરંતુ પાકિસ્તાન હજુ એ વાત સ્વીકારવા જ તૈયાર નથી કે 26 નવેમ્બરના મુંબઈ ઉપરના આતંકી હુમલામાં તેનો કોઈ હાથ છે. 
જુન્ડાલ આર્થર રોડ જેલમાં બંધ છે, જ્યારે 15થી વધુ સાક્ષીઓની તપાસ હજુ બાકી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer