નવાબ મલિકનો આક્ષેપ : મારા અને મારા પરિવાર પર નજર રાખવામાં આવી રહી છે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રના પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે શનિવારે કહ્યું હતું કે અમુક અજ્ઞાત લોકો મુંબઈમાં મારા ઘર પર નજર રાખી રહ્યા છે અને આ લોકો મારા અને મારા પરિવારના સભ્યો વિશે માહિતી ભેગી કરી રહ્યા છે. 
તેમણે કહ્યું હતું કે હું દુબઈની ટ્રીપ પર જઈ રહ્યો હતો ત્યારે એક કારમાંથી બે જણ મારી તસવીર ખેંચી રહ્યા હતા. એ બન્ને વ્યક્તિને પકડવામાં આવી હતી. આમાંનો એક મોબાઈલ ઍપ કૂ પર મારી સામે લખતો હોય છે. હું જ્યાં જાઉં ત્યાં આ વ્યક્તિ જોવા મળે છે અને એ મારી વિરુદ્ધ સત્તાવાળાઓને પત્રો પણ આપતો હોય છે. હું મુંબઈના પોલીસ કમિશનરને આ વિશે માહિતી આપીશ તેમને તપાસ કરવાની વિનંતી કરીશ. મારી પાસે પુરાવા છે અને એ ટૂંક સમયમાં હું જાહેર કરીશ. 
તેમણે કહ્યું હતું કે મારી સામે કાવતરાખોર ઘણા છે અને એ બધા વિરુદ્ધના પુરાવા મારી પાસે છે. અમુક લોકો મને માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખની જેમ ફસાવવા માગે છે. તેમનો ઈરાદો શું છે એની ખબર નથી. જોકે, હું કંઈ ડરવાનો નથી. હું કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહને પણ ફરિયાદ કરવાનો છું અને તેમને કહેવાનો છું કે કેન્દ્રીય તપાસ સંસ્થાઓએ મારા સામે ફરિયાદ કરવા ખાનગી એજન્ટો નીમ્યા છે. 
શુક્રવારે નવાબ મલિકે બે વ્યકિતનો ફોટો ટ્વીટ કર્યો હતો અને પોસ્ટમાં લખ્યું હતું કે આ બે જણ મારી જાસૂસી કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ક્રૂઝ પાર્ટીવાળા ડ્રગ કેસમાં જ્યારથી મેં બોલવાનું શરૂ કર્યું છે ત્યારથી મને ફસાવવાનું કાવતરું શરૂ થયું છે. 
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ બે અૉક્ટોબરના મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શિપ પરની ડ્રગ પાર્ટી પર રેઈડ પાડી બીજા દિવસે અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી હતી ત્યારથી નવાબ મલિકે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની મુંબઈ અૉફિસના ઝોનલ હેડ સમીર વાનખેડે અને તેમના પરિવાર પર આક્ષેપોનો મારો ચલાવ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer