દિવ્યાંગોને ટ્રાઈસિકલને બદલે મળશે ઈ-બાઈક

મુંબઈ, તા. 27 : મુંબઈ મહાપાલિકા દ્વારા દિવ્યાંગોને ટ્રાઈસિકલને બદલે હવે ઈલેક્ટ્રિક બાઈક આપવામાં આવશે. મુંબઈના દરેક પ્રભાગમાંથી બે, પ્રમાણે કુલ 454 દિવ્યાંગોને ઈ-બાઈકનું વિતરણ કરવામાં આવશે. એક બાઈકની ખરીદી માટે પાલિકા લગભગ 40,000 રૂપિયાનો ખર્ચ કરશે. દિવ્યાંગો પરિવહન સાથે વ્યવસાય પણ કરી શકે એવી વ્યવસ્થા આ બાઈકમાં કરવામાં આવશે. 
પાલિકાના નિયોજન વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે સ્વરોજગાર સહિત વિવિધ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. એવી જ રીતે દિવ્યાંગોને પણ ઝેરોક્સ મશીન, ટ્રાઈસિકલ તેમજ સ્વરોજગાર માટે આર્થિક સહાય કરવામાં આવે છે. અત્યારસુધી દિવ્યાંગોને ટ્રાઈસિકલ આપવામાં આવતી હતી, પરંતુ હવે ઈલેક્ટ્રિક બાઈક ઉપલબ્ધ કરી આપવામાં આવશે.
ઈલેક્ટ્રિક બાઈકની પાછળની બાજુએ એક કન્ટેનર ઉપલબ્ધ કરી આપવામાં આવશે, જેમાં વેચાણ માટેની વસ્તુઓ મૂકી શકાશે. આ વસ્તુઓના વેચાણ દ્વારા દિવ્યાંગો આવક મેળવી શકશે.
લાભાર્થી માટે કેટલાક ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. દિવ્યાંગ વ્યક્તિ મુંબઈ મહાપાલિકાની હદમાં રહેતી હોવી જરૂરી છે. એની વય 18થી 60 વર્ષ સુધીની અને એની પાસે 40 ટકા અથવા એથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. વાર્ષિક આવક એક લાખ રૂપિયા અથવા એનાથી ઓછી હોવી જોઈએ. સરકારી, અર્ધસરકારી, જાહેર એકમો અથવા ખાનગી ક્ષેત્રમાં કાયમી નોકરી ન હોવી જોઈએ. નિર્ધારીત કરતાં વધુ સંખ્યામાં અરજી આવશે તો લૉટરી કાઢીને લાભાર્થીઓની અંતિમ યાદી તૈયાર કરાશે. દિવ્યાંગ હોવા છતાં એ વ્યક્તિ વ્યવસાય કરવા માટે સક્ષમ હોવાનું કેઈએમ હૉસ્પિટલનું પ્રમાણપત્ર જરૂરી છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજી સાથે પાલિકા ક્ષેત્રના રહેવાસી હોવાનું યોગ્ય અધિકારીનું પ્રમાણપત્ર, 40 ટકા અથવા એથી વધુ દિવ્યાંગતા હોવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પૅન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, મતદાર ઓળખત્ર અને સોગંદનામું વગેરે દસ્તાવેજો જોડવાના રહેશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer