દક્ષિણ આફ્રિકાથી આવતા દરેક પ્રવાસીઓને ક્વૉરન્ટાઈન કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 27 : દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનું નવું ગંભીર સ્વરૂપ મળ્યું હોવાથી ત્યાંથી આવતા દરેક પ્રવાસીને ક્વૉરન્ટાઈન કરવામાં આવશે અને દરેકનું ટેસ્ટિંગ કરાશે એવું મુંબઈના મેયર કિશોરી પેડનેકરે શનિવારે કહ્યું હતું. એ ઉપરાંત અમુક પ્રવાસીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. આ નવા વાયરસનો કેમ સામનો કરવો એ વિશે મુંબઈ પાલિકાના ટોચના અધિકારીની શનિવારે સાંજે એક બેઠક પણ થઈ હતી. 
આ વાયરસનું નામ ઓમીક્રોન છે અને એ એકદમ ચેપી છે અને વિશ્વના અનેક દેશોએ ત્યાંથી આવતી ફ્લાઈટો પર બૅન મૂક્યો છે અથવા પ્રતિબંધો લાદ્યા છે. અત્યાર સુધી આ વાયરસના દરદી સાઉથ આફ્રિકા, બોત્સવાના, હોંગકોંગ, ઈઝરાયલ અને બેલ્જિયમમાં મળ્યા છે. 
તેમણે કહ્યું હતું કે નાતાલ અને નવું વર્ષ માથે છે અને અનેક લોકો મહારાષ્ટ્ર અને મુંબઈની મુલાકાતે આવશે. આને પગલે પાલિકા પૂરતી સાવચેતી રાખી રહી છે. તેમણે લોકોને માસ્ક પહેરવાનું અને દો ગજની દૂરીના નિયમો ચુસ્તપણે પાળવાની સલાહ આપી હતી. 
જાલનામાં મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે આ નવા વાયરસનો એકેય દરદી હજી દેશમાં મળ્યો નથી અને જરૂર પડશે તો દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવતી વિમાની સેવા બંધ કરવાની કેન્દ્ર સમક્ષ માગણી કરવામાં આવશે. ત્યાંની ફ્લાઈટો બંધ કરવા વિશે મુંબઈ પાલિકાએ એક પત્ર પણ કેન્દ્ર સરકારને લખ્યો છે. 
તેમણે કહ્યું હતું કે ઍરપોર્ટ પર ઉતરતા દરેક પ્રવાસીનું મોનિટારિંગ કરાય છે અને તેમનું ટેસ્ટિંગ પણ થાય છે. દરેકે 72 કલાક પહેલાંનું ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવાનું બંધનકર્તા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer