ઇમરાન ખાનને મોટા ભાઇ કહી સિદ્ધુનો નવો વિવાદ

ઇમરાન ખાનને મોટા ભાઇ કહી સિદ્ધુનો નવો વિવાદ
નવી દિલ્હી, તા. 20 : ભારત-પાકિસ્તાન સીમા પાર કરીને શનિવારે કરતારપુર સાહેબ ગુરુદ્વારાના દર્શને પહોંચેલા કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ એવું વિવાદી નિવેદન કર્યું હતું કે, ઇમરાન ખાન મારા મોટા ભાઇ છે. આવું બોલીને વિવાદ સર્જનારા સિદ્ધુ પર પ્રહાર કરતાં ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના કહેવાથી નવજોતે ઇમરાનને મોટા ભાઇ ગણાવ્યા છે.
કરતારપુર કોરિડોર મારફતે પાકિસ્તાનના કરતારપુરમાં પહોંચેલા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુનું પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું હતું.
ટ્વિટર પર શેર કરાયેલા વીડિયોમાં પાકિસ્તાની અધિકારીઓ સિદ્ધુનું સ્વાગત કરતા દેખાય છે, તો કરતારપુરના સીઇઓ માળા પહેરાવતા જોવા મળે છે.સિદ્ધુ પર પ્રહાર કરતાં કેસરિયા પક્ષના પ્રવકતા સંબિત પાત્રાએ  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું.
પાત્રાએ કહ્યું હતું કે, કોંગ્રેસને હિન્દુઓમાં બોકો હરમ અને આઇએસ દેખાય છે. પ્રિયંકાએ સિદ્ધુને ભાઇ ગણાવ્યા. હવે સિદ્ધુ ઇમરાન ખાનને મોટા ભાઇ બતાવે છે. વિવાદ વધતો જોઇને સફાઇ રૂપે સિદ્ધુએ કહ્યું હતું કે, વાતનું વતેસર કોઇપણ કરી શકે છે. ઇમરાન તરફથી મને ઘણો પ્રેમ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2018માં  ઇમરાનના શપથ ગ્રહણમાં સામેલ થતી વખતે પાક સેનાવડા બાજવાને ભેટીને પણ સિદ્ધુ વિવાદમાં ફસાયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer