...તો ચંદ્રકાંત પાટીલ માટે શોકસભા યોજશું અને શોક વ્યક્ત કરશું : રાઉત

...તો ચંદ્રકાંત પાટીલ માટે શોકસભા યોજશું અને શોક વ્યક્ત કરશું : રાઉત
મારે તેમનું મગજ તપાસવું પડશે : પાટીલ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : કેન્દ્રની મોદી સરકારે કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત કરી પછી ગઈકાલે ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રકાંત પાટીલ અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દીક ચકમક ઝરી હતી, જ્યારે આજે આ બંને નેતાઓ નાશિકમાં એક સમારોહમાં એક જ સોફા ઉપર સાથે બેસેલા જોવા મળ્યા હતા. એટલું જ નહીં પણ દિલ ખોલીને હળવાશથી વાતો કરતાં જોવા મળ્યા હતા.
સંજય રાઉતે ગઈકાલે કહ્યું હતું કે કૃષિ કાયદા પાછા ખેંચવાને કારણે દુ:ખ થયું હોય તો આપણે ચંદ્રકાંત પાટીલને શોક સંદેશ પાઠવશું. તેમના માટે કૃષિ કાયદા પાછા લેવા દુ:ખદ હોય તો આપણે તેમના માટે એકાદ શોકસભા યોજશું અને શોક વ્યક્ત કરશું, જે દેશમાં આજે ખેડૂતો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ જેવો ઉત્સવ ઊજવી રહ્યા છે. તે કોઈને શોક સમાન જણાતો હોય તો અમારે તેમની માનસિકતા તપાસવી પડશે, એમ રાઉતે ઉમેર્યું હતું.
ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે સંજય રાઉત જાહેરમાં બોલ્યા છે. મારી સામે બોલ્યા નથી. સંજય રાઉત ડૉક્ટર છે. તેથી હું અલગ ડૉક્ટર શોધવાને બદલે તેમની પાસે જઇશ. તેથી અમારા વચ્ચે વાતચીત થશે. નવાબ મલિક અને સંજય રાઉત કોઈ પણ સંદર્ભ નહીં 
હોવા છતાં ખોટું શા માટે બોલે છે. એવી વાતો કરી શકાશે. તે સમયે સંજય રાઉતે મારી માનસિકતા તપાસશે તો હું તેમનું માથું અને મગજ તપાસીશ, એમ પાટીલે જણાવ્યું હતું.
આ બંને નેતાઓ આજે નાશિકના ભાજપના વિધાનસભ્ય દેવયાની ફરાદેનાં દીકરીના લગ્નમાં એક જ સોફા ઉપર મહારાષ્ટ્રના નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન અને રાષ્ટ્રવાદીના નેતા છગન ભુજબળની આજુબાજુ બેઠેલા જોવા મળ્યા હતા. તેઓ શાંતિથી બેઠા હતા. એટલું જ નહીં પરંતુ દિલ ખોલીને હળવા મૂડમાં વાતો કરતા જોવા મળ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer