કચ્છમાં જળ સંચય દ્વારા કૃષિક્રાંતિ સર્જવા અનોખું ઐતિહાસિક આંદોલન

કચ્છમાં જળ સંચય દ્વારા કૃષિક્રાંતિ સર્જવા અનોખું ઐતિહાસિક આંદોલન
મયંક ગાંધીના નેતૃત્વમાં `પરલી ચળવળ' શૈલીમાં કચ્છમાં સફળતા હાંસલ કરાશે
કનૈયાલાલ જોશી તરફથી
મુંબઈ, તા. 20 : કચ્છમાં કૃષિ ક્ષેત્રે આર્થિક ક્રાંતિ સર્જવા આગામી એપ્રિલમાં ઐતિહાસિક ચળવળ થવાની છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ગામડાઓમાં ગ્લોબલ પરણી ચળવળ દ્વારા ખેડૂતોનાં જીવનમાં આમૂલ પરિવર્તન લાવનાર મયંકભાઈ ગાંધીએ હવે કચ્છ પર દૃષ્ટિ કરી છે. કચ્છમાં જનજાગૃતિ માટે સભાઓના દોર શરૂ થઈ ગયા છે. સ્થાનિક અને દેશ-વિદેશમાં વસતા કચ્છીઓ અને વહીવટી તંત્રનો સહયોગ મળી રહ્યો છે.
ગ્લોબલ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના 15 જિલ્લાના અંદાજે ચાર હજાર ગામડામાં 2016માં ગ્લોબલ પરલી ચળવળની શરૂઆત કરી જેનાં પરિણામો દેખાયાં છે. કચ્છમાં કૃષિક્રાંતિ લાવવા તેમણે દૃઢ નિર્ધાર ર્ક્યો છે. આ જળ ઝિંદાબાદ આંદોલન સફળ થવાનો વિશ્વાસ તેમણે કચ્છના લોકોની મુલાકાત પછી વ્યક્ત ર્ક્યો છે.
ખાર પશ્ચિમમાં ગ્લોબલ વિકાસ ટ્રસ્ટની અૉફિસમાં તેમની મુલાકાત લીધી ત્યારે તેમણે જળસંચય સહિતની કામગીરી કરી રીતે પાર પાડવી તેના વિષે વિગતવાર માહિતી આપી હતી. મૂળ અધ્યાત્મના જીવ અને થોડો વખત રાજકારણમાં લટાર માર્યા બાદ તેમણે ખેડૂતોના વિકાસનું કામ હાથમાં લીધું. સમગ્ર કચ્છમાં જળક્રાંતિ સર્જવા માટે સૌપ્રથમ કચ્છના અબડાસા અને માંડવી તાલુકાના 160 ગામ પર પસંદગી ઉતારી છે. જળ આંદોલન સફળ કરવા આ ગામ વચ્ચે પાણી સ્પર્ધા યોજી છે. વિજેતા બંને તાલુકાના ગામને રૂા. એક-એક કરોડના ઈનામ આપવાની તેમણે જાહેરાત કરી છે.
મયંકભાઈ ગાંધીએ કચ્છના લોકોને બિરદાવતાં કહ્યું કે, હું કચ્છના લોકોના પ્રેમમાં પડી ગયો છું એના ચાર કારણ છે. એક ધરતીકંપની આપત્તિ પછી લોકોએ દર્શાવેલું આત્મસન્માન, બીજું માદરે વતન પ્રત્યેનો પ્રેમ અને ઉદારતા, ત્રીજું ધાર્મિક અને આધ્યાત્મિક ભાવના અને ચોથું પશુ-પક્ષી જેવા મૂક જીવો પ્રત્યે અપાર લાગણી.
મયંકભાઈએ કહ્યું કચ્છમાં વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે. એક એક ટીપાંનો સંગ્રહ કરવાની જરૂર છે. કનકાવતી એકવીફરમાં 245 ગામડાં આવે છે તેમાં પ્રથમ તબક્કામાં અબડાસા-માંડવી તાલુકાનાં 160 ગામ છે. આ ગામો વચ્ચે પાણી સ્પર્ધા કરશું. 15મી એપ્રિલ 2022થી 31મી મે 2022 સુધીના 45 દિવસમાં જમીનમાં સેન્દ્રીય કાર્બન વૃદ્ધિ, પાણીના ટીડીએસમાં ઘટાડો, લાખો સ્થાનિક વૃક્ષોનું વાવેતર, ગૌચર ભૂમિના વિકાસ સહિતનાં કામો થશે. આના પર 100 માર્કસનું પેપર હશે. દરેક ગામે શ્રમદાન, મશિનકામ અને અન્ય પ્રકારનાં કાર્યો વધુમાં વધુ પ્રમાણમાં કરીને ઈનામ જીતવાનું છે જેની પૂર્વ તૈયારી શરૂ થઈ ગઈ છે. ગામ સર્વે ચાલુ છે. પચાસેક ગામોનું પ્લાનિંગ-વર્કિંગ પૂરું થઈ ગયું છે.
તેમણે કહ્યું કે, 10મી જાન્યુઆરી આસપાસ મોટો મેળાવડો યોજીને સ્પર્ધા ખુલ્લી મુકાશે. 160 ગામોને સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ અપાશે. દરેક ગામમાં સમિતિ બનાવાશે. દરેક ગામમાંથી સક્રિય પાંચથી છ ગ્રામજનને ચાર દિવસની તાલીમ અપાશે. એ પછી ગામમાં ડાયરો યોજીને સ્પર્ધા માટે તૈયાર કરાશે. ટેકનિકલ ટ્રેનર જળસંગ્રહનું કામ ક્યાં, કેવી રીતે થવાનું છે તે શીખવશે અને કરાવશે. 14મી એપ્રિલે રાતે 12 વાગ્યે શ્રીફળ વધેરીને સ્પર્ધાની શરૂઆત કરાશે.
દરેક ગામમાં શ્રમદાન- યંત્રણાથી સ્પર્ધા જીતવા માટે વધુમાં વધુ પાણીસંગ્રહ કરવા 45 દિવસ કામ કરાશે. ગ્લોબલ કચ્છની ટીમ માર્ગદર્શન અપાશે. દરેક ગામને `ઍપ' અપાશે જેથી તેઓ પ્રગતિ ઝડપથી કરી શકે. બે શનિ- રવિવારે બહારગામ વસતા કચ્છીઓ સ્થાનિકે આવીને કામમાં જોડાશે. નાગરિકોની સાથે સરકાર, આગેવાનો અને યંત્રણા પણ જોડાઈ જશે. 31મી મેના રાતે 12 વાગ્યે સ્પર્ધા પૂરી થશે. અમારી ટેકનિકલ ટીમ દરેક ગામમાં ફરીને ગુણવત્તા પ્રમાણે માર્ક અપાશે. સ્પર્ધાનું પરિણામ જાહેરસભામાં વડા પ્રધાન અથવા મુખ્ય પ્રધાનના હસ્તે જાહેર થશે.
મયંકભાઈએ કહ્યું કે, આ ઐતિહાસિક ચળવળ છે જે કોઈના વિરુદ્ધ નથી. ફોકસ, સ્પીડ અને સ્કેલના મંત્રથી સફળતા પ્રાપ્ત કરવાની છે. અત્યાર સુધી સાત બેઠકો થઈ છે. એક મોટી બેઠકમાં બેહજાર લોકોની હાજરી હતી. કચ્છમાં ઘણાં વર્ષથી જળસંગ્રહનું કામ છુટુંછવાયું થાય છે પણ હવે આ જળ આંદોલન ચળવળ મોટાપાયે કરવાની છે. સાંસદ, વિધાનસભ્યો, જિલ્લા ક્લેક્ટર એમ બધાનો સાથ છે. બિનરાજકીય ઝિંદાબાદ આંદોલનમાં સમગ્ર વિશ્વના કચ્છીઓ સામેલ થયા છે એટલે આંદોલન પરિપૂર્ણ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ નવનિર્માણ અભિયાન સાથે સંલગ્ન ઘણી સંસ્થાઓ આ જળ ચળવળમાં જોડાઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer