આજે ક્લીન સ્વીપના લક્ષ્ય સાથે મેદાને પડશે ટીમ ઇન્ડિયા

આજે ક્લીન સ્વીપના લક્ષ્ય સાથે મેદાને પડશે ટીમ ઇન્ડિયા
ન્યૂ ઝીલૅન્ડ સામે ત્રીજા અને અંતિમ ટી20માં યુવા  ખેલાડીઓને તકની શક્યતા
નવી દિલ્હી, તા. 20: ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી20 મેચની શ્રેણીનો ત્રીજો અને અંતિમ મેચ રવિવારે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાશે. રોહિત શર્માની આગેવાનીની ટીમ ઇન્ડિયા પહેલાથી જ શ્રેણીમાં 2-0થી બઢત બનાવી ચૂકી છે અને હવે ટીમની નજર ક્લીન સ્વીપ ઉપર રહેશે. એક અહેવાલ મુજબ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઇડન ગાર્ડનમાં ઘંટી વગાડીને ત્રીજા ટી20 મેચની શરૂઆતનું એલાન કરી શકે છે. પૂરા બે વર્ષ બાદ ઇડન ગાર્ડન ઇન્ટરનેશનલ ક્રિકેટની મેજબાની કરશે. ગયા વખતે ઇડન ગાર્ડનમાં ઇન્ટરનેશનલ મુકાબલો નવેમ્બર 2019માં ભારત અને બંગલાદેશ વચ્ચે રમાયો હતો. જે ટેસ્ટ મેચ હતો. આ ઉપરાંત ઇડન ગાર્ડનમાં દર્શકોની પણ વાપસી થશે. ત્રીજા ટી20 મેચ માટે ટિકિટની માગ પણ ખૂબ વધારે છે. ત્રીજા ટી20 મેચમાં યુવાનોને તક આપવામાં આવે તેવી શક્યતા છે. ખુદ કેપ્ટન રોહિત શર્માએ આ દિશામાં સંકેત આપ્યો હતો. રાંચીમાં મેચ બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, યુવા ખેલાડીઓએ શાનદાર રમત બતાવી છે અને ઘણા ખેલાડીઓ તકની રાહ જોઈ રહ્યા છે. આ યુવા ખેલાડીઓને વધુ તક આપવાની જરૂર છે. જો આગામી મેચમાં કોઈ સીનિયર ખેલાડીને બદલે યુવાને તક આપવામાં આવે તો ખૂબ સારું રહેશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer