કોરોના : નવા 10,302 સંક્રમિતો; 115.79 કરોડથી વધુનું રસીકરણ

નવી દિલ્હી, તા. 20 : ભારતમાં દિવસોદિવસ ગતિભેર વધી રહેલાં રસીકરણની સાથે સંક્રમણ ઘટવા માંડયું છે. દેશમાં શનિવારે નવા 10,302 સામે વધુ 11,787 સંક્રમિતો સાજા 
થયા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા 3.45 કરોડની નજીક 3,44,99,925 થઈ ગઈ છે, તો આજે વધુ 267 દર્દી કોરોનાનો કોળિયો બની જતાં કુલ 4,65,349 સંક્રમિતો જીવ ખોઈ ચૂક્યા છે. આજે એક જ દિવસમાં 1752 કેસનો ઘટાડો થતાં કુલ 1,24,868 દર્દી સારવાર હેઠળ છે. કુલ દર્દીઓની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ ઘટતું જઈને 0.36 ટકા થઈ ગયું છે.દેશના વિવિધ ભાગોમાં 24 કલાક દરમ્યાન વધુ 11,787 સંક્રમિતો ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ સ્વસ્થ સંક્રમિતોની સંખ્યા 3.39 કરોડને આંબી, 3,39,09,708 થઈ ગઈ છે. સાજા થયેલા દર્દીઓનો દર એટલે કે રિકવરી રેટ વધીને 98.29 ટકા થઈ ગયો છે. સંક્રમણનો દૈનિક દર 0.96 ટકા  છે. અત્યાર સુધી દેશમાં 115.79 કરોડ લોકોને કોરોના સામે રસીનું સુરક્ષા કવચ મળી ચૂક્યું છે. આજે થયેલા 267માંથી એકલા કેરળ રાજ્યમાં 204, મહારાષ્ટ્રમાં 15 દર્દીનાં સંક્રમણમાં સપડાતાં મોત થયાં હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer