વિદેશી સ્કોચ વ્હીસ્કીની એક્સાઈઝ ડયૂટીમાં 50 ટકાનો ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલોની દાણચોરી અટકાવવાના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારે એક મહત્વના પગલારૂપે શનિવારે એના પરની એક્સાઈઝ ડયૂટીમાં 50 ટકાનો ઘટાડો કર્યો હતો. આ વિદેશી સ્કોચ વ્હીસ્કી પર 300 ટકા એક્સાઈઝ ડયૂટી હતી જે ઘટાડીને 150 ટકા કરાઈ છે. 
સામાન્ય રીતે આ વિદેશી દારૂની બોટલો સ્કોચ વ્હીસ્કીની હોય છે અને એક હજાર મિલિ-લિટરની એક બોટલનો ભાવ રૂપિયા 5800થી લઈ 14 હજાર વચ્ચે હોય છે. હવે સરકારે એક્સાઈઝ ડયૂટીમાં ઘટાડો કરતાં આ ભાવમાં 35થી 40 ટકાનો ઘટાડો થશે. 
એક સિનિયર સરકારી અધિકારીએ કહ્યું હતું કે અમે 150 ટકા જેટલો ટેક્સમાં ઘટાડો કર્યો છે. હવે આ વિદેશી સ્કોચ વ્હીસ્કીની બોટલોના ભાવમાં ઘટાડો કરવાની જવાબદારી લિકર કંપનીઓની છે અને તેઓ સોમવાર પછી ઘટાડાની જાહેરાત કરે એવી શક્યતા છે. 
એક્સાઈઝ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે 2016-17થી 2018-19ના ત્રણ નાણાકીય વર્ષમાં આયાતી સ્કોચ વ્હીસ્કીમાંથી 200 કરોડ આસપાસની આવક અમને થઈ હતી. જોકે, પછીના બે નાણાકીય વર્ષમાં 100 કરોડની જ આવક થઈ હતી. કોરોનાને કારણે નહીં પણ એના પર વેચાણ વેરો અચાનક વધારી દેવામાં આવતા આવક ઘટી હતી. 
આ અધિકારીએ કહ્યું હતું કે આ ઉપરાંત એક્સાઈઝ ડયૂટીની ફૉર્મ્યુલામાં પણ સુધારો કરાયો હતો. આને કારણે વિદેશી સ્કોચ વ્હીસ્કીની બોટલો પર કરનો બોજ વધતા એના ભાવ પણ વધ્યા હતા. સરવાળે વેચાણ ઘટતા મહેસૂલ પણ ઘટી હતી. 
ઈન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઈન એસોસિયેશન અૉફ ઈન્ડિયાના સૂત્રોએ કહ્યું હતું કે એક્સાઈઝ ઘટતાં વિદેશી દારૂની બોટલોના ભાવ ગોવા જેવા અન્ય રાજ્યોની સરખામણીમાં આવી જશે. હવે આ દારૂના ભાવમાં 35થી 40 ટકાનો ઘટાડો થશે. 
એકસાઈઝ અધિકારીઓનું માનવું છે કે એકસાઈઝમાં ઘટાડો કરાતા વિદેશી દારૂની બોટલોનું વેચાણ હવે વધશે અને સાથે સાથે મહેસૂલ પણ 250 કરોડની થશે. એ ઉપરાંત દિલ્હી અને અન્ય રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં ઘુસાડવામાં આવતી સ્કોચ વ્હીસ્કીની બોટલોનું પણ પ્રમાણ ઘટશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer