વિદ્યુત વાહનો માટે સોસાયટીઓમાં પણ ચાર્જિંગ સ્ટેશન બેસાડવાની વિચારણા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : મુંબઈ પાલિકા હાઉસિંગ સોસાયટીઓની અંદર ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનું વિચારી રહી છે. સોસાયટીઓમાં પ્રાઈવેટ કોન્ટ્રક્ટરો આ ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા કરશે અને જગ્યા ફાળવવા બદલ સોસાયટીને મુંબઈ પાલિકા અમુક લાભ પણ આપશે. 
સોસાયટીના જે મેમ્બરો પાસે ઈલેક્ટ્રિક વાહન હશે તે અને આસપાસના આવા વાહનધારકો આ ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરી શકશે. 
પાલિકાના એક અધિકારીએ કહ્યું હતું કે સોસાયટીઓમાં ચાર્જિંગ સ્ટેશનનો વિકલ્પ સફળ રહેશે તો લોકોને ચાર્જિંગ સ્ટેશન ગોતવાની માથાકૂટમાં પડવું નહીં પડે. જો પાકો નિર્ણય લઈ લેવાશે તો કઈ હાઉસિંગ સોસાયટીમાં ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરવા એ સોસાયટીઓને પસંદ કરવામાં આવશે. અત્યારે આખી યોજના એકદમ પ્રાથમિક તબક્કામાં છે. અમારે એ માટેની સરખી યોજના પણ હજી બનાવવાની બાકી છે. 
વિદ્યુત વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો ક્યાં ઊભા કરવા વિશે પાલિકા અનેક વિકલ્પો વિચારી રહી છે. સાર્વજનિક સ્થળે અને પબ્લિક પાર્કિંગ લોટમાં પણ ચાર્જિંગ સ્ટેશનો બેસાડવાનું વિચારાધિન છે. મુંબઈમાં પાલિકા પાસે મુંબઈમાં 26 પબ્લિક પાર્કિંગ લોટ છે અને આવતા એકાદ મહિનામાં દરેક લોટમાં એક ચાર્જિંગ પોઈન્ટ હશે. એ સિવાય પાલિકા પાસે અનેક સ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા છે અને ત્યાં પણ એ આવા ચાર્જિંગ પોઈન્ટ બેસાડવા માગે છે. 
પાલિકાનું કહેવું છે એક યુનિટના રૂપિયા 15ના દરે વાહનોનું ચાર્જિંગ કરાશે. બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવા માટે 20થી 30 યુનિટની જરૂર પડે છે. એટલે વિદ્યુત વાહનધારકનું કામ 200થી 450 રૂપિયામાં પતી જશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer