એક લાખ કરતાં ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ત્રણ સ્થાન મહારાષ્ટ્રના શહેરોને

દેશના સ્વચ્છ શહેરોમાં મુંબઈનું સ્થાન 37મું
મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : કેન્દ્રના ગૃહનિર્માણ અને નગરવિકાસ ખાતા દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વચ્છ સર્વેક્ષણ-2021માં એક લાખ કરતાં ઓછી વસતિ ધરાવતા શહેરોના વર્ગમાં પ્રથમ ત્રણ સ્થાનમાં અનુક્રમે સાંગલી જિલ્લાના વીટા તેમ જ પૂણે જિલ્લાના લોનાવલા અને સાસવડની વરણી થઈ છે. આ ઉત્તમ દેખાવ બદલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અભિનંદન આપ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નવી દિલ્હીમાં નેશનલ ક્લિનલિનેસ સર્વે એવૉર્ડ એનાયત કર્યા હતા.
દેશભરના સેનિટેશન સર્વેમાં મુંબઈને 37મું સ્થાન પ્રાપ્ત થયું છે. જોકે, મુંબઈને ઇનોવેશન અને બેસ્ટ પ્રેક્ટિસિસ માટેનો મેગાસિટીનો એવૉર્ડ પ્રાપ્ત થયો છે.
આ સર્વેક્ષણમાં નવી મુંબઈને ચોથો, પૂણેને પાંચમો, થાણેને 14મો, ઔરંગાબાદને 22મો, નાગપુરને 23મો, કલ્યાણ-ડોમ્બિવલીમાં 25મો, વસઈ-વિરારને 29મો, નાસિકને 17મો અને પિંપરી-ચિંચવડને 19મો ક્રમાંક પ્રાપ્ત થયો છે.
મુંબઈ પાલિકાના ઉપાયુક્ત સંગીતા હસનાળેએ જણાવ્યું હતું કે અમે નકામાં કચરાને રાંધણગૅસમાં રૂપાંતરિત કરવાનો અને હાઉસિંગ સોસાયટીઓમાં કચરા ઉપર પ્રક્રિયા કરવા કોમ્પોસ્ટ પીટ્સને પ્રોત્સાહન આપવા બદલ મુંબઈ પાલિકાને ઇનોવેશન અને બેસ્ટ પ્રેક્ટિસિસ' માટેનો મેગાસિટી એવૉર્ડ પ્રાપ્ત થયો છે. વર્તમાન સમયમાં અમારું ધ્યાન કોરોના સામે લડવાનું છે. તેથી અમારી કામગીરીને યોગ્ય રીતે રજૂ કરવામાં ઊણા ઊતર્યા છીએ, એમ હસનાળેએ ઉમેર્યું હતું.
દેશમાં સહુથી સ્વચ્છ રાજ્ય તરીકે છત્તીસગઢની પસંદગી થઈ છે. બીજા ક્રમાંક માટે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમાંક માટે ઉત્તર પ્રદેશની વરણી થઈ છે.
આ સર્વેક્ષણ હેઠળ 28 દિવસમાં કુલ 4320 શહેરોને આવરી લેવામાં આવ્યા હતા. તેના માટે 4.2 કરોડ લોકો કરતાં વધારે લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer