એમસીએક્સ પર સોનાના સાપ્તાહિક વાયદામાં રૂ 157 અને ચાંદીમાં રૂ 995નો ઘટાડો

મુંબઈ, તા. 20 : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 12થી 18 નવેમ્બરના સપ્તાહ દરમિયાન 20,31,948 સોદાઓમાં કુલ રૂ.1,73,101.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ હતી. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.157 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.995 ઘટી આવ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઢીલી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં સપ્તાહના અંતે ચાલુ સિઝનનાં ઉચ્ચતમ કામકાજ નોંધાયાં હતાં. સપ્તાહ દરમિયાન કોટનમાં 3,44,500 ગાંસડીના નોંધપાત્ર વોલ્યુમ સાથે વાયદાના ભાવ ગાંસડીદીઠ રૂ.970 તૂટી નીચામાં રૂ.30,780ને સ્પર્શ્યા હતા. સીપીઓમાં 1,01,840 ટનના વેપાર થયા હતા. સીપીઓ, રબર અને મેન્થા તેલ સુધરીને બંધ થયા હતા. 
વિશ્વબજારમાં સપ્તાહના અંતે સોનાનો ભાવ 1 ઔંશદીઠ 1867 ડોલર અને ચાંદીનો ભાવ 1 ઔંશદીઠ 25.04 ડોલર આસપાસ બોલાયા હતા. સપ્તાહના અંતે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ 95.71ના સ્તરે પહોંચ્યો હતો. ઘરેલૂ હાજર બજારમાં અમદાવાદ ખાતે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 99.50ના રૂ.50,700 અને 99.90ના રૂ.50,900 તેમ જ અમદાવાદ ખાતે હાજર ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.67,500 બોલાયા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈ કરન્સી બજારમાં સપ્તાહના અંતે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.74.23 બોલાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer