હવે કોરોનાના પહેલા સંક્રમિત મામલે ચીન શંકાના વર્તુળમાં

નવી દિલ્હી, તા. 20 : કોરોના વાયરસને લઈને પહેલાથી જ શંકાના દાયરામાં રહેલું ચીન હવે કોરોનાના પહેલા દર્દીની ઓળખને લઈને પણ ઘેરાઈ રહ્યું છે, કારણ કે ચીને જે દર્દીને કોરોનાનો પહેલો દર્દી બતાવ્યો હતો હકીકતમાં તે પહેલો દર્દી નથી. કોરોના વાયરસના લક્ષણનો પહેલો મામલો ચીનના વુહાનમાં એક હોલસેલ ફૂડ માર્કેટમાં મહિલા સીફૂડ વિક્રેતાનો હતો. પહેલાં એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે એક એકાઉન્ટન્ટમાં પહેલી વખત કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા જ્યારે હવે સામે આવ્યું છે કે કોરોનાની ઉત્પત્તિને લઈને ડબલ્યુએચઓની તપાસ સંબંધિત શરૂઆતનો ઘટનાક્રમ ખોટો સાબિત થઈ શકે છે. 
ન્યુયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે પહેલી દર્દી ચીનનાં શહેર વુહાનના હુઆનાન એનિમલ માર્કેટમાં કામ કરતી હતી. વુહાન એ જ શહેર છે જ્યાં 2019માં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો અને પછી આ વાયરસ મહામારીમાં બદલાયો છે. સાયન્સ પત્રિકામાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે એરિઝોના યુનિવર્સિટીમાં ઇકોલોજી એન્ડ ઇવોલ્યુશન બાયલોજીના પ્રમુખ માઇકલ વોરોબેએ કહ્યું છે કે એકાઉન્ટન્ટને વ્યાપક રીતે કોરોના વાયરસથી પીડિત પહેલી વ્યક્તિ માનવામાં આવતો હતો. એકાઉન્ટન્ટમાં કોરોના વાયરસના લક્ષણ વુહાની માર્કેટના લોકોમાં કોરોના ફેલાયા બાદ સામે આવ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer