કોલસાની તંગી : દેશમાં વીજસંકટ તોળાઈ રહ્યું છે

કેટલાંય રાજ્યોમાં આઠ કલાકનો વીજકાપ : વડા પ્રધાનના હસ્તક્ષેપની માગ
નવી દિલ્હી, તા.9 : કોરોના સંકટ અને લોકડાઉનથી માંડ બહાર આવી રહેલા દેશ પર હવે કોલસાની તીવ્ર તંગીને કારણે તહેવારો અગાઉ જ વીજસંકટ તોળાઈ રહ્યું છે. દેશના અનેક રાજ્યે તેમના શહેરો અને જિલ્લામાં બે કલાકથી લઈને આઠ કલાકના વીજકાપની જાહેરાત પણ કરી દીધી છે. તાતા પાવરે પોતાના ગ્રાહકોને વીજળીનો ખપ પૂરતો ઉપયોગ કરવા એસએમએસ કર્યો હતો. આંધ્રપ્રદેશ, દિલ્હી જેવાં રાજ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોલસાની ગંભીર સ્થિતિ અંગે પત્ર લખીને કેન્દ્રને મદદ માટે આગળ આવવા અને કોલસાનો પૂરતો જથ્થો ફાળવવા તેમજ કોલસાથી ચાલતા નિક્રિય વીજ એકમોના પુનરોત્થાનની માંગ કરી હતી. બીજીતરફ દેશમાં કોલસાની ઘટને કારણે એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉદ્યોગ પર અવળી અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે.
રાજસ્થાનમાં વીજસંકટની અસરો વર્તાવાની શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં જયપુર ડિસ્કોમે તમામ નગરપાલિકા વિસ્તારમાં સાંજે 4થી 6 વચ્ચે વીજકાપની જાહેરાત કરી હતી.આ સિવાય દિવસ દરમ્યાન એક કલાક અને ગ્રામીણ વિસ્તારોમાં 3થી 4 કલાક વીજ કાપ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પંજાબમાં પણ વીજકાપ અમલી બનાવી દેવાયાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. જાલંધરમાં આજે બેથી ત્રણ કલાકનો કાપ મુકાયા બાદ આવતીકાલે આઠ કલાક સુધી વીજકાપની જાહેરાત કરવામાં આવી હતી.'
આંધ્રપ્રદેશ પણ ગંભીર વીજસંકટનો સામનો કરી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વાયએસ. જગન મોહન રેડ્ડીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા છ મહિનામાં 15 ટકા અને એક મહિનામાં 20 ટકા જેવી વીજમાંગ વધી છે. રાજ્યમાં હવે માત્ર એક કે બે દિવસ ચાલે તેટલો જ કોલસાનો જથ્થો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની તંગી અને કોલસાના વર્તમાન જથ્થાની જાણકારી આપી હતી. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે આ સ્થિતિને કારણે ગેસ આધારિત વીજ એકમો પરની નિર્ભરતા વધતી હોય છે પરંતુ એટલો ગેસ પણ નથી કે આ વીજ એકમો પોતાની પૂરી ક્ષમતાથી કામ કરી શકે. તેમણે પીએમઓને મામલામાં હસ્તક્ષેપ કરવા અને જરૂરી કોલસાનો જથ્થો પૂરો પાડવા, ગેસ આધારિત વીજએકમોને' પર્યાપ્ત ગેસ આપવામાં આવે અને વીજળી હસ્તાંતરણમાં નફાખોરી ન થાય એ માટે પ્રતિ યુનિટ વીજળી વેચવાનો દર સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.
દરમ્યાન, ફેડરેશન ઓફ ઈન્ડિયન મિનરલ ઈન્ડસ્ટ્રીઝે કોલસા મંત્રાલયને પત્ર લખીને કોલસાની તંગીથી એલ્યુમિનિયમ અને સ્ટીલ સહિતના ઉદ્યોગો પર ગંભીર સંકટ સર્જાયાનું જણાવ્યું હતું.નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થવા પર છે અને જે ઉત્પાદન થઈ રહ્યું છે તેમાં પણ ખર્ચ વધી ગયો હોવાથી તેનો બોઝ ગ્રાહકો પર નાખવામાં આવી રહ્યો હોવાથી દરેક ચીજ-વસ્તુ મોંઘી બનવાની આશંકા છે.
દિલ્હીમાં બ્લેક આઉટ ?
કોલસાની અછત માનવ સર્જિત હોવાનો આક્ષેપ કરીને દિલ્હીના ઉર્જા પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે દેશની રાજધાની નવી દિલ્હી પર વીજ સંકટ તોળાય રહ્યુ છે. જો કોલસાની જરૂરિયાત પૂરી નહીં થાય તો બે દિવસ બાદ સંપૂર્ણ દિલ્હીમાં બ્લેક આઉટ થઇ શકે એમ છે. દિલ્હીના ઉર્જા પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે જ્યારે ઓકિસજનની અછત થઇ હતી તે પણ માનવ સર્જિત હતી. ફરી એકવાર કોલસાની અછતનું સંકટ છે. કેન્દ્ર સરકારને અમારી અપીલ છે કે રેલવે વેગનની વ્યવસ્થા કરી તેને કોલસા માટે પ્લાન્ટસમાં મોકલવામાં આવે. જેટલા પણ પ્લાન્ટ છે તે માત્ર પંચાવન ટકા ક્ષમતાએ કાર્યરત છે. 3.4 લાખ મેગાવોટની જગ્યાએ હવે માત્ર 1 લાખ મેગાવોટની માગ થઇ છે તેમ છતાં પાવર પ્લાન્ટને પુરવઠો પહોંચાડવામાં અમે અસમર્થ છીએ.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer