સત્તાધારી પક્ષો બંધની અપીલ કરે તે ખોટું છે : મુંબઈ ગ્રાહક પંચાયત

`બંધ' થી શું હાંસલ થશે?
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : કોરોના મહામારી માંડ નિયંત્રણમાં આવી રહી છે અને એને કારણે અમલમાં મુકાયેલા પ્રતિબંધો હળવા કરાતા રાજ્યની ગાડી પાટે ચડી રહી છે, ત્યારે ઉત્તર પ્રદેશના લખીમપુર હિંસાચારના વિરોધમાં સત્તાધારી મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષો શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે સોમવારે મહારાષ્ટ્ર બંધની હાકલ કરી છે. આને પગલે દરેક સ્તરે સત્તાધારીની ટીકા થઈ રહી છે. સત્તાધારી ઘટક પક્ષો જ બંધનું આહ્વાન કરે એ કેટલે અંશે યોગ્ય ગણાય એવો સવાલ મુંબઈ ગ્રાહક પંચાયતે ઉપસ્થિત કર્યો છે.'
મુંબઈ ગ્રાહક પંચાયતના અધ્યક્ષ અને ધારાશાત્રી શિરીઝ દેશપાંડેએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે બંધારણના શપથ લીધા હોવાથી કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી તેમની છે. એ લોકો જ જો બંધની અપીલ કરતા હોય તો એ ખોટું છે. બંધ દરમિયાન થનારા નુકસાનની ભરપાઈ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ છે. હવે એ કોણ કોની પાસે વસૂલ કરશે એવો સવાલ દેશપાંડેએ કર્યો છે. ઉત્તર પ્રદેશની ઘટના ગંભીર પ્રકારની છે, પણ એનો વિરોધ લોકશાહીમાં અન્ય રીતે પણ થઈ શકે છે. એ માટે બંધની જાહેરાત એ યોગ્ય' માર્ગ નથી, એમ દેશપાંડેએ ઉમેર્યું હતું.
કોરોનાને કારણે રાજ્યના અર્થતંત્રની ગાડી પાટા પરથી ખડી પડી હતી. કોરોનાની પહેલી લહેર દરમિયાન ગયા વરસે માર્ચથી નવેમ્બર સુધી તમામ વ્યવહારો ઠપ થઈ ગયા હતા. આ વરસે અૉગસ્ટ મહિનાથી પરિસ્થિતિ થાળે પડવાની શરૂઆત થઈ. આ વરસે 15 અૉગસ્ટથી બે ડૉઝ લેનારાને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી અપાઈ. આમ છતાં આર્થિક પ્રવૃત્તિની સ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. આવક-જાવકનો તાળો બેસાડવામાં રાજ્ય સરકારે ભારે જહેમત કરવી પડે છે. જીએસટીની આવક પણ ધાર્યા મુજબ થતી નથી.
અત્યારે તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ધરાકી થોડી નીકળી હોવાથી શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ નવી આશાનો સંચાર થયો છે. આવા સમયે એક દિવસના બંધનું આહ્વાન કરી શું હાંસલ કરશે એવો સવાલ થઈ રહ્યો છે. હિંસાચાર દુર્ભાગ્યપૂર્ણ હોવા છતાં એ મહારાષ્ટ્રમાં નહીં પણ ઉત્તર પ્રદેશમાં થયો છે. એ માટે મહારાષ્ટ્રના નાગરિકોને સજા શું કામ? એવો સવાલ પુછાઈ રહ્યો છે. હિંસાચારના વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશના વિરોધ પક્ષોએ પણ બંધનું એલાન કર્યુ ંનથી.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer