સોનિયા ગાંધીએ 16મીએ કૉંગ્રેસ કારોબારીની બેઠક બોલાવી

આખરે અનુભવીઓની વાત કાને ધરાઈ'
નવી દિલ્હી, તા. 9: દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી, વર્તમાન રાજનીતિક સ્થિતિ અને આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી ઉપર મંથન માટે 16 ઓક્ટોબરના રોજ સીડબલ્યુસી (કોંગ્રેસ રાષ્ટ્રીય કારોબારી)ની બેઠક બોલાવવામાં આવી છે. પક્ષે એક નિવેદન જારી કરીને બેઠક અંગે સૂચના જારી કરી હતી.'
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક શનિવારે 16 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે થશે. કોંગ્રેસનાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ બેઠકના એજન્ડામાં વર્તમાન રાજનીતિક સ્થિતિ, આગામી વિધાનસભા ચૂંટણી અને પક્ષની સંગઠાત્મક ચૂંટણી સામેલ હશે.'
થોડા દિવસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને કપ્લિ સિબ્બલે સીડબલ્યુસી બેઠક બોલાવવાની માગણી કરી હતી. આઝાદે સોનિયા ગાંધીને પત્ર લખીને પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે પક્ષ સંબંધિત મામલા ઉપર ચર્ચા માટે બેઠક બોલાવવામાં આવે. સિબ્બલે પણ પક્ષના પંજાબ એકમમાં મચેલા ઘમાસાણ વચ્ચે નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, સમિતિની બેઠક બોલાવીને ચર્ચા થવી જોઈએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer