ઍરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્ધવ અને રાણે વચ્ચે ચડસાચડસી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રના સિન્ધુદુર્ગ જિલ્લામાં ચીપી ખાતે વિમાની મથકના લોકાર્પણ પ્રસંગે કટ્ટર રાજકીય હરીફો-મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રના લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ખાતાના પ્રધાન નારાયણ રાણે લગભગ 16 વર્ષ બાદ પ્રથમવાર એક મંચ ઉપર આવ્યા હતા. તેથી રાજકીય સમીક્ષકોની નજર તેઓના વક્તવ્ય ઉપર હતી. અપેક્ષા મુજબ બંને નેતાઓએ એકમેકની પ્રત્યક્ષ અને પરોક્ષ ટીકા કરી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે નવા વિમાની મથકને કારણે મુંબઈ અને ચીપી વચ્ચે 530 કિલોમીટર જેટલું અંતર હવે માત્ર 50 મિનિટ જેટલું થયું છે. ચીપી મહારાષ્ટ્રનું 14મું વિમાની મથક છે. આગામી પાંચ વર્ષમાં ચીપીને બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા અને અન્ય મહત્ત્વના શહેરો સાથે જોડી દેવાશે એમ સિંધિયાએ ઉમેર્યું હતું.
આ ચીપી વિમાની મથક 275 હેક્ટર ક્ષેત્રફળમાં પથરાયેલું છે તેનો રનવે 2500 મીટર લાંબો છે. તેમાં સાંકડી કાયા ધરાવતા ઍરબસ-એ320 અને બોઇંગબી-737 જેવા વિમાનોનો પણ સમાવેશ કરી શકાશે.
બાળાસાહેબ ઠાકરેએ ખોટું બોલનારાઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા : ઉદ્ધવ
કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરી વિકાસ માટે આગળ આવ્યા છે. આપણે સાથે મળીને કામ કરીએ. આજ સુધી રસ્તાના કે વહીવટમાંના ખાડા પડયા છે કે પાડવામાં આવ્યા છે. ભરવાનું કામ સાથે મળીને કરીએ. જો આપણે આ કામ નહીં કરીએ તો લોકશાહી ગઈ ખાડામાં એવું કહેવાનો વારો આવશે. આપણે એવો સમય આવવા દેવો ન હોય તો વિકાસકાર્યોમાં રાજકીય બાબતોનો અવરોધ થવા દેવો ન જોઈએ એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
ચીપી વિમાની મથકના લોકાર્પણ માટે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ નારાયણ રાણેનું નામ લઈને અને લીધા વિના કેટલાક કટાક્ષ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તમે કેન્દ્રમાં પ્રધાન છો. પછી ભલે સૂક્ષ્મ હોય કે લઘુ પણ ખાતું મોટું છે તેનો ઉપયોગ તમે ચોક્કસપણે મહારાષ્ટ્ર માટે કરશો એવી મને અપેક્ષા છે. તમે કૉલેજ માટે મને ફોન કર્યો અને બીજી જ ક્ષણે મેં તેને મંજૂરી આપી હતી. વિકાસકાર્યોમાં હું ઢીલાશ ઇચ્છતો નથી. શિવસેના પ્રમુખ બાળ ઠાકરેને ખોટું બોલવું જરા પણ ગમતું નહોતું. જેઓ ખોટું બોલનારા વ્યક્તિઓ હતા તેઓને બાળાસાહેબે શિવસેનામાંથી હાંકી કાઢ્યા હતા. આ ઇતિહાસ છે. કડવું ભલે હોય પણ સાચું બોલો. ખોટું બોલનારા મને નહીં ચાલે. ખોટું બોલશો તો ગેટ આઉટ. એ તેઓએ દેખાડયું છે. મારે ઇતિહાસમાં વધુ ઉંડું ઉતરવું નથી. આ વિમાની મથક બાંધવા માટે આટલો લાંબો સમય શા માટે લાગ્યો તે જોવા જેવું છે. કેટલાંક લોકો કહેતા હતા કે કોંકણનું કેલિફોર્નિયામાં રૂપાંતર કરશું. કોંકણ હજી સુધી કેલિફોર્નિયામાં ફેરવાયું નથી. ગોખીને બોલવું અને આત્મસાત કરીને બોલવું એ બેમાં ફરક છે. ઉત્કટતાથી કે દિલથી બોલવું અને કટાક્ષમાં બોલવું એમાં તફાવત છે. મારી જાણકારી પ્રમાણે સિન્ધુદુર્ગનો કિલ્લો શિવાજીએ બાંધ્યો હતો. અન્યથા કોઈ એમ કહેશે કે મેં બાંધ્યો હતો એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.
ઈડીની પીડા હોય તો દૂર કરો એવી પ્રભુને પ્રાર્થના : રાણે
હું અહીંથી પ્રભુને પ્રાર્થના કરું છું કે બધાને સારું આરોગ્ય અને આયુષ્ય આપો, તેઓની મનોકામના પૂર્ણ કરો. ઈડીની પીડા હોય તો તે દૂર કરો એમ કેન્દ્રના લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ખાતાના પ્રધાન નારાયણ રાણેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના જણાવ્યું હતું.
ચીપી વિમની મથકના લોકાર્પણ પ્રસંગે રાણેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના પ્રત્યક્ષ અને પરોક્ષ ટીકા કરી હતી. રાણેએ જણાવ્યું હતું કે આ વિમાની મથક બંધાયું તે મારા પ્રયાસોનું ફળ છે. આ વિમાની મથક સુધી પહોંચવાનો રસ્તો વ્યવસ્થિત નથી. ઉપરાંત આસપાસ સુશોભીકરણ કરવાની જરૂર છે. તેના માટે નાણાં ખાતાનો અખત્યાર સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નાણાંની ફાળવણી કરવાની જરૂર છે. ઉદ્ધવજી તમને ખોટું બ્રીફીંગ (ખોટી માહિતી આપવામાં આવે છે) કરવામાં આવે છે. તમારા લોકપ્રતિનિધિઓ શું કરે છે તેની માહિતી ગુપ્તપણે મેળવો. તમને સાચી માહિતી જાણવા મળશે. બાળાસાહેબ ઠાકરેને ખોટું બોલનારા માણસો ગમતા નહોતા. તેમણે ક્યારેય અસત્યને છાવર્યું નહોતું. મંચ ઉપર આવ્યા પછી સમજાયું નહીં કે આ કાર્યક્રમ કોનો છે? મને આજે જ જાણવા મળ્યું કે વિમાની મથકનો માલિક કોણ? વીરેન્દ્ર મ્હસકર ગયા અને બીજા આવ્યા. વિનાયક રાઉતે કહ્યું કે કાર્યક્રમ એમઆઈડીસીનો છે, વીરેન્દ્ર મ્હસકરનો છે. આ શું ચાલે છે? રાજ શિષ્ટાચાર હોય કે નહીં? માનસન્માન આપો પણ રાજ શિષ્ટાચાર પાળો.
ઍરપોર્ટનું ભૂમિપૂજન કરવા આવ્યો ત્યારે આંદોલન થયું હતું. ભૂમિ સંપાદન કરવા નહીં દઈએ. અમને ઍરપોર્ટની જરૂર નથી. કેટલો વિરોધ થયો હતો... હું નામ લઈશ તો રાજકારણ થયું એમ કહેવાશે.
પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે તમે આવ્યા એ સારું થયું. આનંદ થયો. તેમણે અભ્યાસ કરવો જોઈએ, તાતાનો અહેવાલ વાંચવો જોઈએ. આદિત્ય મારા માટે `ટૅક્સફ્રી' છે. તેમના વિશે હું કંઈ નહીં બોલું, એમ રાણેએ ઉમેર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer