ફાઇનલમાં પહોંચવા આજે ચેન્નાઈ અને દિલ્હી વચ્ચે જંગ

ધોનીની ટીમ પાછલી ત્રણ મૅચની અને દિલ્હી આખરી મૅચની હારથી ડગમગી છે
દુબઇ, તા. 9 : મોટા મેચોનો અપાર અનુભવ ધરાવતી ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ આઇપીએલના રવિવારે રમાનાર પહેલા ક્વોલીફાયર મેચમાં પોઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે જીતની પ્રબળ દાવેદાર તરીકે ઉતરશે. આ મેચમાં જીત હાંસલ કરનાર ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચશે જ્યારે પરાજીત ટીમને ફાઇનલમાં પહોંચવા વધુ એક મેચમાં તક મળશે. દિલ્હીની ટીમ 20 પોઇન્ટ સાથે નંબર વન અને ચેન્નાઇની ટીમ 18 પોઇન્ટ સાથે બીજા નંબરની ટીમ છે.'
સીએસકે ટીમ ગત વર્ષ નોકઆઉટ રાઉન્ડ ચૂકી હતી. આ વખતે તેણે ફરી વાપસી કરી છે. ચેન્નાઇએ જે 12 આઇપીએલમાં ભાગ લીધો છે. તેમાંથી 11 વખતે તે પ્લેઓફમાં પહોંચી છે જ્યારે ત્રણ વખત ચેમ્પિયન બની છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમ સતત બીજા સીઝનમાં પ્લેઓફમાં પહોંચી છે અને પહેલીવાર આઇપીએલ ટ્રોફી કબજે કરવા આતુર છે.
ચેન્નાઇ માટે ખતરાની નિશાની એ છે કે પ્લેઓફ પહેલા ત્રણ મેચમાં તેને સતત હાર મળી છે. દિલ્હીને પણ પાછલા મેચમાં હાર મળી છે. શુક્રવારના આખરી લીગ મેચમાં આરસીબીના વિકેટકીપર ભરતે આખરી દડે છક્કો ફટકારીને દિલ્હીને આંચકો આપ્યો હતો. આ હારથી દિલ્હીનો આત્મવિશ્વાસ ડગી ગયો છે. દિલ્હીએ જીત માટે સીએસકેની બોલિંગ લાઇન અપ સામે જવાબદારીથી બેટિંગ કરવું પડશે. ખાસ કરીને પૃથ્વી અને શિખર પાસેથી સારી શરૂઆતની આશા રહેશે અને કપ્તાન પંત અને અય્યર પાસેથી આક્રમક ઇનિંગની આશા રહેશે. દિલ્હીની બોલિંગ ચેન્નાઇથી મજબૂત છે. આવેશખાન 22, અક્ષર પટેલ 15, કાગિસો રબાડા 13 અને નોત્ઝે 9 વિકેટ સાથે શાનદાર ફોર્મમાં છે. આથી ચેન્નાઇના બેટ્સમેનો ઋતુરાજ ગાયકવાડ, ફાક ડૂ પ્લેસિસ, મોઇન અલી, સુરેશ રૈના, કેપ્ટન એમએસ ધોનીની કસોટી થશે. સીએસકે માટે રાયડુ અને રવીન્દ્રની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. આ બન્ને ખેલાડી ધોની માટે હુકમના એક્કા બની શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer