વર્લ્ડ કપની પાક. ટીમમાં શોએબ મલિક અને સરફરાજનો સમાવેશ

કરાચી, તા.9: પાકિસ્તાનની ટી-20 વર્લ્ડ કપની ટીમમાં પૂર્વ સુકાની શોએબ મલિક, સરફરાજ અહેમદ, ફખર જમાન અને હૈદરઅલીનો સમાવેશ કરાયો છે. આ સામે આઝમ ખાન અને મોહમ્મદ હસનૈનને બહાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે મીડલઓર્ડર બેટ્સમેન સોહેબ મકસૂદ ઇજાને લીધે વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે. ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો પહેલો મેચ 24 ઓક્ટોબરે ભારત સામે છે. આ પછી તેને ન્યુઝિલેન્ડ, અફઘાનિસ્તાન અને બે ક્વોલીફાઇ ટીમ સામે રમવાનું છે. પાક. કપ્તાન બાબર આઝમે અગાઉ પસંદગીકારો સમક્ષ અનુભવી શોએબ મલિકનો વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ કરવા આગ્રહ કર્યોં હતો. હવે ઇજાગ્રસ્ત સોહેબ મકસૂદના સ્થાને મલિકની ટીમમાં વાપસી થઇ છે. શોએબ મલિકે 2007ના પહેલા ટી-20 વર્લ્ડ કપમાં પાક.નું સુકાન સંભાળ્યું હતું. ત્યારે ભારત ચેમ્પિયન બન્યું હતું. તેના નામે 443 ટી-20 મેચમાં 11033 રન છે. આ તેનો પાંચમો ટી-20 વર્લ્ડ કપ બની રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer