આર્યન ખાને સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી, ફિલ્મ નિર્માતાને ત્યાં દરોડા

અમારા પ્રતિનિધિ તરફથી'
મુંબઈ, તા. 9 : ગયા અઠવાડિયે ગોવા જતી ક્રૂઝ લાઈનર પર ચાલતી નશા પાર્ટી પર રેઈડ પાડી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ પકડેલા અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને શનિવારે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ અરજીની આવતા અઠવાડિયે સુનાવણી થાય એવી શક્યતા છે. આર્યન ખાન અત્યારે અદાલતી કસ્ટડીમાં છે અને તેને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે.'
શનિવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ શાહરૂખ ખાનના એક ડ્રાઈવરને પણ પુછપરછ માટે બોલાવ્યો હતો અને તેનું નિવેદન નોંધ્યું હતું. એવું કહેવાય છે આ ડ્રાઈવર આર્યન ખાન અને તેના મિત્ર અર્બાઝ મર્ચન્ટને ક્રૂઝ લાઈનર સુધી મુકવા ગયેલો. આ ડ્રાઈવર આર્યનને ડ્રગ્સ લાવવામાં મદદ કરતો હતો કે કેમ એ વિશે તેની પુછપરછ કરાઈ હતી.'
સામાન્ય કેદી જેવો વ્યવહાર'
આર્થર રોડ જેલમાં આર્યન ખાન સાથે અન્ય કેદી જેવો જ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. સવારે છ વાગ્યે તેને ઉઠી જવું પડે છે અને સાત વાગ્યે ચા-નાસ્તો તેને મળે છે. તેને પણ ભોજન 11 વાગ્યે અને સાંજે છ વાગ્યે રાત્રિ ભોજન આપવામાં આવે છે. તેના ઘરેથી ભોજનનું ટિફિન આવ્યું હતું પણ એ અંદર જવા દેવામાં આવ્યું નહોતું.'
અર્બાઝ મર્ચન્ટે આર્યનને ડ્રગ્સ આપેલું'
બીજી તરફ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ એવું કહ્યું છે કે આર્યન ખાને જે ડ્રગ્સનું સેવન કર્યું હતું એ તેને તેના મિત્ર અને કેસના સહઆરોપી અર્બાઝ મર્ચન્ટે આપેલું. ગયા શનિવારે ક્રૂઝ શિપ પર જે રેઈડ પાડવામાં આવેલી એનો એક વિડિયો પણ સપાટી પર આવ્યો છે. આ વિડિયોમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની મહિલા અધિકારીઓ સેનિટરી પૅડમાંથી નશીલા પદાર્થ જપ્ત કરતી દેખાય છે. આ સેનિટરી પૅડ મુનમુન ધામેચા નામની આરોપી પાસેથી જપ્ત કરાયું. જોકે મુનમુન ધામેચાના ભાઈએ બહેન સામેના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. આ કેસમાંની બન્ને મહિલા આરોપીને ભાયખલાની મહિલા જેલમાં રાખવામાં આવી છે.'
શાહરુખની જાહેરખબર અટકી'
આ ડ્રગ પ્રકરણની અસર અભિનેતા શાહરૂખ ખાનના પ્રોફેશન પર પણ પડી રહી છે. એક જાણીતી શૈક્ષણિક ઍપે શાહરૂખ સાથેની એની જાહેરખબરો હાલ અટકાવી દીધી છે. આ શૈક્ષણિક ઍપની શાહરૂખ સાથેની જાહેરાતની મજાક ઉડાવતી પોસ્ટ પણ વાઈરલ થઈ છે એટલે આ કેસની કોઈ વિપરીત અસર ન પડે એટલે શાહરૂખ ખાનવાળી જાહેરખબર હાલ અટકાવી દેવામાં આવી છે.'
ગૌરી ખાનનાં આંખમાં આંસુ આવ્યાં'
'શુક્રવારે મેજિસ્ટ્રેટ કોર્ટે દીકરા આર્યન ખાનને જામીન ન આપતા તેની માતા ગૌરી ખાનના આંખમાં આંસુ આવી ગયા હતા અને એ સંબંધેનો એક વિડિયો પણ વાઈરલ થયો છે. ગૌરી ખાન કારમાં બેઠી છે ત્યારે આ વિડિયો ઉતારવામાં આવ્યો છે.'
વધુ એકની ધરપકડ'
આ પ્રકરણમાં શુક્રવારે મોડી રાત્રે વધુ એક ડ્રગ ડીલરની ધરપકડ કરવામાં આવતા ધરપકડ કરાયેલા આરોપીની સંખ્યા 19ની થઈ ગઈ છે. આ ડ્રગ ડીલરને સાંતાક્રુઝ વિસ્તારમાં પકડવામાં આવ્યો હતો.'
ફિલ્મ નિર્માતાને ત્યાં દરોડા'
પવઈ વિસ્તારમાંથી પકડવામાં આવેલા અંચિત કુમાર નામના એક ડ્રગ ડીલરે આપેલી માહિતીના આધારે બોલીવૂડના ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ ખત્રીના નિવાસસ્થાન-ઓફિસ પર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ શનિવારે સવારે દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને શું મળ્યું એ માહિતી પ્રાપ્ત થઈ શકી નહોતી. તેને પુછપરછ માટે પણ બ્યુરોએ બોલાવ્યો હતો. સુશાંત સિંહ રાજપુત કેસમાં ડ્રગ કનેકશનની તપાસમાં પણ ઈમ્તિયાઝ ખત્રીનું નામ ઉછળેલું અને ત્યારે પણ તેની પુછપરછ કરવામાં આવેલી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer