એનસીબીએ ભાજપના નેતા મોહિત ભારતીયના સાળાને છોડી મૂકેલા : મલિક

મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે શનિવારે એવો દાવો કર્યો હતો કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ગયા અઠવાડિયે ક્રૂઝ શિપ કોર્ડિલા પરની ડ્રગ પાર્ટી પર રેઈડ પાડી કુલ 11 જણને અટક કરેલા, પણ ત્રણ જણને ગણતરીના કલાકોમાં છોડી મૂક્યા હતા. આમાં એક ભાજપના નેતા મોહિત ભારતીય (કંબોજ)નો સાળો હતો. બીજી તરફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ નવાબ મલિકના આક્ષેપોને નકારી કાઢ્યા છે.
તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે જે ત્રણ જણને ચૂપચાપ જવા દેવામાં આવ્યા હતા એમાં મોહિત ભારતીયનો સાળો ઋષભ સચદેવ પણ હતો. બાકીના બેમાં પ્રતીક ગાબ્બા અને આમીર ફર્નિચરવાલાનો સમાવેશ હતો. અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ક્રૂઝ શિપ પર આવવાનું નિમંત્રણ પ્રતીક ગાબ્બા અને આમીર ફર્નિચરવાલાએ આપેલું. આ ત્રણેને માત્ર ત્રણ કલાક બાદ જવા દેવામાં આવેલા.'
ભાજપના નેતા મોહિત ભારતીયનો સંપર્ક કરવામાં આવતા તેમણે નવાબ મલિકના આક્ષેપ વિશે ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી. જોકે તેમણે માત્ર એટલું કહ્યું હતું કે હું પણ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીશ.'
નવાબ મલિકે કહ્યું હતું કે ઋષભ સચદેવના પિતા અને કાકા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ઓફિસમાં આવ્યા હતા. મુંબઈ અને દિલ્હીના ભાજપના નેતાઓ સાથે સમીર વાનખેડેની ફોન પર વાત થઈ હતી. આ ફોન સંવાદ ઋષભ સચદેવના પિતાના મોબાઈલથી થયો હતો. નવાબ મલિકે છોડી મૂકવામાં આવેલા ત્રણ જણના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની મુંબઈ ઓફિસના ઝોનલ હેડ સમીર વાનખેડે સાથેના ફોન રેકોર્ડ્સ જાહેર કરવાની પણ માગણી કરી હતી.'
તેમણે કહ્યું હતું કે આ ત્રણેના ફોન પણ કેમ જપ્ત કરવામાં આવ્યા નહોતા એ સમજાતું નથી. ક્રૂઝ શિપ પરથી 11 જણને પકડવામાં આવ્યા હોવાની માહિતી મુંબઈ પોલીસને પણ આપવામાં આવી હતી. શિપ પરથી રેઈડ બનાવટી અને પૂર્વયોજિત હતી. એનો હેતુ મહારાષ્ટ્ર સરકાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાનો છે. ચુનંદા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બાબત એકદમ ગંભીર છે. સીસીટીવી કેમેરાના ફુટેજ પણ તપાસવાની જરૂર છે.'
નવાબ મલિકે કહ્યું હતું કે પ્રતીક અને આમીરના નામનો ઉલ્લેખ કોર્ટની ચાલુ સુનાવણીમાં પણ થયો છે.'
ગયા શનિવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના અધિકારીઓ પ્રવાસીના સ્વાંગમાં ગોવા જતી ક્રૂઝ શિપમાં ચડ્યા હતા અને એમાં ચાલતી નશા પાર્ટી પર રેઈડ પાડી હતી. અત્યાર સુધી આ પ્રકરણમાં આર્યન ખાન સહિત 18 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નવાબ મલિકે કહ્યું હતું કે ભાજપનું કહેવું છે કે મારા જમાઈને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ પકડેલો એટલે હું મારો આક્રોશ ઠાલવી રહ્યો છું. મેં મારા જમાઈને ક્યારેય ટેકો આપ્યો નથી અને તે તેની રીતે પોતાનો કેસ લડશે.'
નવાબ મલિકના જમાઈ સમીર ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ 13 જાન્યુઆરીના ધરપકડ કરી હતી અને તેને છેક સપ્ટેમ્બરમાં જામીન મળેલા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer