ભાવો નહીં ઘટતાં ખાદ્યતેલ અને તેલીબિયાં પર કેન્દ્ર સરકારે લાદી સ્ટૉક સીમા

અમારા પ્રતિનિધિ તરફથી'
મુંબઈ, તા. 9 : કેન્દ્ર સરકારે છેલ્લા બે મહિનામાં ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી હોવા છતાં ખાદ્યતેલના ભાવમાં કમી આવી ન હોવાથી સરકારે હવે દેશભરમાં તેલ અને તેલીબિયાંના સ્ટોક પર સીમા લાગુ કરવાનો આદેશ આપ્યો છે.'
ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે આઠ અૉક્ટોબરના સરકારના આદેશ મુજબ આ સ્ટૉક સીમા 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે અને સ્ટૉકની માત્રા નક્કી કરવાનો અધિકાર રાજ્યોને આપવામાં આવ્યો છે. સામાન્યત: રાજ્ય સરકાર ખપતના આધારે સ્ટૉક સીમા નક્કી કરે છે. જે સ્ટૉકિસ્ટ, અૉઈલ મિલર્સ, હોલસેલર્સ, એક્સ્ટ્રેકર્સ પાસે સીમા કરતાં વધુ સ્ટૉક હોય તેમણે એની જાણ 30 દિવસની અંદર પોર્ટલ પર કરવી જરૂરી છે.'
નિકાસકાર જે રિફાઈનર્સ, મિલર્સ, એક્સ્ટ્રેકર્સ, હોલસેલર કે ડીલર હોય અને જેમની પાસે આઈઈસી કોડ હોય તેમને આ સ્ટૉક સીમા લાગુ પડતી નથી. આયાતકાર જે રિફાઈનર્સ, મિલર્સ, એક્સ્ટ્રેકર્સ, હોલસેલર કે ડીલર હોય તેમને આયાત માલની માહિતી અધિકારીઓને આપવી પડશે.'
રાજ્ય સરકાર સ્ટૉકની સીમા કેટલી અને કેવી રીતે નક્કી કરે છે એની વેપારી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ કેન્દ્ર સરકારના આદેશ બાદ ખાદ્યતેલ અને તેલીબિયાં બજારમાં સનસનાટી મચી ગઈ છે.'
શંકર ઠક્કરે કહ્યું હતું કે કોઈપણ બજાર પુરવઠા અને માગના આધારે ચાલે છે. ભૂતકાળમાં પણ અનેક વખત સ્ટૉક સીમા લાદવામાં આવી છે. જ્યાં સુધી બજારમાં માલનો પૂરતો પુરવઠો નહીં આવે ત્યાં સુધી બજાર કાબૂમાં આવવાની નથી. અધિકારીઓ આ સ્ટૉક સીમાના નામે વેપારીઓને હેરાન કરે છે અને એનાથી ભ્રષ્ટાચારને વૃદ્ધિ મળે છે.'
કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના મહામંત્રી તરુણ જૈને કહ્યું હતું કે સરકારે વાસ્તવમાં પહેલાં બજારમાં ઉપલબ્ધ કરી આપવા તરફ ધ્યાન આપવાની જરૂર છે. એમ થશે તો બજાર આપોઆપ કાબૂમાં આવી જશે. બીજું કૉમોડિટી એક્સ્ચેન્જમાં જે ખેલો થઈ રહ્યો છે એને સરકારે બંધ કરાવવાની જરૂર છે.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer