ત્રિમાસિક પરિણામો અને ફુગાવા, ઉત્પાદનના આંકડા શૅરબજારની ભાવી ચાલ નક્કી કરશે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : કૉમોડિટીના ભાવ ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી રહ્યા હોવાથી તેની અસર સ્થાનિક અને વૈશ્વિક શૅરબજારો ઉપર જોવા મળી છે. સપ્ટેમ્બર રિટેલ ફુગાવાના આંકડા સાથે, ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા શૅરબજારની ભાવી ચાલ નક્કી કરશે અને બજાર સાંકડી વધઘટમાં અથડાતું રહેશે, એમ સેમકો વેન્ચર્સના સીઈઓ જીમિત મોદીએ તેમની સાપ્તાહિત સમીક્ષામાં જણાવ્યું છે.
એપ્રિલ 2020માં ડબ્લ્યુટીઆઈ ક્રૂડના ભાવ નેગેટિવ થયા હતા. જોકે, ઓપેક+એ તેની ઉત્પાદન યોજના સાથે આગળ વધવાનો નિર્ણય લેતાં ક્રૂડતેલના ભાવ નવેમ્બર 2014 બાદની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. નેચરલ ગૅસ અને કોલસાના ભાવ પણ વધી રહ્યા છે અને સપ્લાય ઓછી છે.'
મેટલ્સમાં ખાસ કરીને સ્ટીલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને ઊર્જાના પુરવઠાનો સપ્લાય ખર્ચ વધતા તેના ભાવમાં હજી વધારો થઈ શકે છે. પ્રતિકૂળ હવામાન અને નિકાસ સંબંધિત સમસ્યાઓને લીધે રૂ, ખાંડ અને કોફીના ભાવ પણ વધ્યા છે.'
આ સપ્તાહમાં બ્લુમબર્ગ કૉમોડિટી ઈન્ડેક્સ અૉલ-ટાઈમ હાઈ હતો.'
અૉટોમોટિવ, સિમેન્ટ અને પેઈન્ટ કંપનીઓ સામે પડકાર ઊભો થયો છે. રાંધણગૅસ (એલપીજી)ના ભાવ રૂ.15 વધ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ અવિરત વધારો થઈ રહ્યો છે. કૉમોડિટીના ભાવમાં વધારો થતા અંતે બોજો ગ્રાહકોએ ઉપાડવો પડે છે. માગ અને પુરવઠા વચ્ચેના ફરકને લીધે રોકાણકારોની ચિંતા વધે છે કેમ કે ફુગાવો વધતા અર્થતંત્રમાં થતો સુધારો ધીમો પડશે.'
રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ)એ રેપો રેટ યથાવત્ રાખતા અમુક રાહત થઈ છે. તેમ જ આરબીઆઈએ નાણાકીય વર્ષ 2022 માટે ફુગાવાનો અંદાજ 5.7 ટકાથી ઘટાડીને 5.3 ટકા કર્યો છે. આગામી સમયમાં ફેડનું નવેમ્બરમાં કેવું વલણ રહે છે તેના ઉપર નજર રહેશે. ડિસેમ્બરમાં આરબીઆઈ રેપો અને રિવર્સ રેપો રેટ વચ્ચેના ફરકમાં ઘટાડો કરવાનું શરૂ કરી શકે છે.
ટેક્નિકલ દૃષ્ટિએ નિફ્ટીમાં 17,450ના લેવલે સપોર્ટ છે. જોકે, નિફ્ટીમાં હજી પણ વધુપડતી ખરીદી છે. વૈશ્વિક સૂચકાંકોમાં પણ કરેકશન બાદ સપોર્ટ લેવલ મળી રહ્યું છે. ગયા મહિને એસઍન્ડપી 500 ઈન્ડેક્સ છ ટકા જેટલો ઘટયા બાદ 4270માં સપોર્ટ મળ્યો હતો. ટ્રેડર્સ તેજીનું વલણ ધારે છે. નિફ્ટીમાં સપોર્ટ લેવલ 17,500 અને પ્રતિકાર'
લેવલ (રેસિસટન્સ) 18,050ના સ્તરે રહેશે.'
આગામી સપ્તાહે અગ્રણી આઈટી કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક નાણાકીય પરિણામ ઉપર રોકાણકારોની નજર રહેશે. આ કંપનીઓનાં પરિણામ સારાં આવવાની ધારણા છે. અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયાનો ઘસારો વધતાં આઈટી શૅર્સમાં તેજી જોવા મળી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer