મુંબઈમાં બેઘરો માટે નવી નીતિ ઘડવા સર્વેક્ષણ હાથ ધરાશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : બેઘરોને કામચલાઉ ઘર આપીને તેમને સ્વાવલંબી બનાવવા માટે વિવિધ પ્રયાસો મુંબઈ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેઓને આશ્રય પૂરા પાડવાની વ્યવસ્થા પાલિકાએ કરી છે. હાલ વરિષ્ઠો માટેના 12 બેઘર આશ્રય સ્થાનમાં 239 નાગરિક તો કિશોરોના બેઘર આશ્રય માટે 488 જણ રહે છે. બેઘરો માટે માહુલમાં એક જ ઠેકાણે 1500 નાગરિકની ક્ષમતાનું આશ્રય સ્થાન તથા કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્ર ટૂંક સમયમાં શરૂ થવાનું છે. બેઘર નાગરિકોની મદદદ માટે ટોલ ફ્રી નંબર 1800227501 સોમવારથી સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કાર્યરત થવાનો છે. શહેરના બેઘરો માટે ધોરણો બનાવવા માટે મહાપાલિકા દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, માર્કેટ, મંદિર વગેરે સ્થળોએ સર્વેક્ષણ હાથ ધરાશે. બેઘરોને ઘર આપવા માટે સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. બેઘરો માટે ચાંદિવલી, દહિસર, અંધેરી, ગોવંડીમાં વધારાના ચાર આશ્રયસ્થાનો ટૂંક સમયમાં ખુલ્લા મુકાશે. માહુલમાં મ્હાડા કોલોનીના ડી સેકટરમાં 224 રૂમોમાં 1500 નાગરિકોની વ્યવસ્થા કરાશે અને અહીં તેમને સ્વાવલંબી, સક્ષમ બનાવવા પ્રશિક્ષણ, તાલીમ અપાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer