લખીમપુર : પ્રધાનનું રાજીનામું અને પુત્રની ધરપકડની માગ

કિસાન મોરચાનું 18મીના રેલ રોકો : લખનઊમાં મહાપંચાયત
નવી દિલ્હી, તા. 9 : લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં કિસાનોના મૃત્યુનો મામલો ગરમ બની રહ્યો છે. સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા અને તેમના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડની માંગ કરી છે, સાથે અજય મિશ્રાને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી હતી.' સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે, 12મી ઓક્ટોબરના દેશભરમાં કિસાન લખીમપુર ખીરી પહોંચશે. ત્યાંથી અસ્થિ કળશ યાત્રા શરૂ થઇને દરેક રાજ્યમાં જશે. 15મીના વડાપ્રધાન અને ગૃહમંત્રીના પૂતળાનું દહન કરાશે.
કિસાન સંગઠનના નેતાઓએ આજે લખીમપુર મામલે પત્રકારોને સંબોધ્યા હતા. યોગેન્દ્ર યાદવે કહ્યું કે, પહેલો કાર્યક્રમ 12મી તારીખના કિસાનો અને પત્રકારો જે શહીદ થયા છે તેમને અમે લખીમપુરના તિકોનિયામાં શ્રદ્ધાંજલિ આપશું.
દેશભરના કિસાન 12મી તારીખના લખીમપુર પહોંચશે. 19મી તારીખના રેલ રોકાશે જ્યારે 26મી તારીખના લખનૌમાં મહાપંચાયત કરશું.
લખીમપુરની ઘટના જલિયાંવાલા બાગથી ઓછી નથી. દેશના તમામ નાગરિકોને અનુરોધ છે કે પોતાના શહેરોમાં કેન્ડલ કૂચ કરે. લખીમપુરમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની માલિકીની એક એસયુવી અને કાફલાની અન્ય ગાડીઓએ કિસાનોને કચડી નાખ્યા હતા જેમાં ચાર કિસાનના મૃત્યુ થયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer