કૅપ્ટન અમરિન્દર સિંહનું રાજીનામું

કૅપ્ટન અમરિન્દર સિંહનું રાજીનામું
પંજાબ કૉંગ્રેસમાં ઘમસાણ
નવા મુખ્ય પ્રધાન સોનિયા ગાંધી નક્કી કરે એવો વિધાયકદળનો ઠરાવ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.18 : પંજાબ કૉંગ્રેસમાં આંતરકલહ વચ્ચે આજે કૉંગ્રેસ વિધાયક દળની મહત્ત્વની બેઠકના કલાકો પહેલાં જ મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. રાહુલ અને પ્રિયંકા ગાંધીના માનીતા નવજોત સિંહ સિદ્ધુએ અંતે કૅપ્ટનને મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપવા મજબૂર કર્યાની ચર્ચા છે. વિધાનસભ્યો તેમની કામગીરીથી નાખુશ હોવાનું અમરિંદર સિંહને સમજાયા બાદ સ્વેચ્છાએ રાજીનામું આપીને પક્ષને મુખ્ય પ્રધાનપદે નવા નેતાની પસંદગીનો માર્ગ મોકળો કરી દીધો છે. આજે સાંજે પાંચ વાગ્યે કૉંગ્રેસની વિધાન સભ્યોની બેઠક બોલાવાઇ હતી. આ મહત્ત્વની બેઠકમાં વિધાનસભ્યો પોતાના નવા પ્રધાનની પસંદગી કરી શકે છે. જોકે, પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરિશ રાવતે આ મુદ્દે બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે વિધાયક દળે કૅપ્ટનની કામગીરીને વખાણીને તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને નવા મુખ્ય પ્રધાનપદે નેતાની પસંદગી કરવાની અપીલ કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને કરતો પ્રસ્તાવ પારિત કર્યો હતો. હવે સોનિયા ગાંધીને આ પ્રસ્તાવ મળ્યા બાદ આ બાબતે આખરી નિર્ણય લેવાશે, એને સૌ સ્વીકારશે. પંજાબ વિધાનસભાની કુલ 117 બેઠકમાંથી કૉંગ્રેસ હાલમાં 80 બેઠક ધરાવે છે અને સિદ્ધુની સાથે ચાલીસથી વધુ વિધાનસભ્યો હોવાનું મનાય છે. આજની બેઠકમાં 78 વિધાનસભ્યો હાજર હોવાનું રાવતે જણાવ્યું હતું અને એમાંથી પચાસ વિધાનસભ્યોએ નવા નેતાની પસંદગી માટે સોનિયા ગાંધીને આગ્રહ કર્યો હોવાનું જણાવ્યું હતું. 
છેલ્લા થોડા સમયથી પંજાબના પાર્ટી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને ગાંધી પરિવારનું પીઠબળ મળ્યા બાદ અમરિંદર સિંહ માટે સમસ્યાઓ વધી રહી હતી. પંજાબમાં પાર્ટીનો આંતરકલહનો ઉકેલ ન આવવા માટે રાહુલ અને પ્રિયંકા ગાંધી ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુ જવાબદાર હશે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આડે એક વર્ષ પહેલાં જ અમરિંદર સિંહે આપેલા રાજીનામાથી નવાં સમીકરણોને પગલે કૉંગ્રેસ રાજ્યની સત્તા બચાવી શકશે કે કેમ એ જોવું રહ્યુ. ગત શનિવારે ગુજરાતની સરકાર બદલી અને ચૂંટણી પહેલાં જ નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે નવી જવાબદારીઓ છે. પંજાબ કૉંગ્રેસમાં સર્જાયેલી આ કટોકટીનો ફાયદો આમ આદમી પક્ષ અને અકાલી દળને થશે તે વાત નક્કી છે. અમરિંદર સિંહે પત્રકાર પરિષદને સંબોધીને જણાવ્યું હતું કે મારું ભાવિ નક્કી છે અને તેની ચર્ચા મેં મારા વિધાનસભ્યો સાથે કરી છે. આવા સંજોગોમાં કૉંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થવાના છે. કૅપ્ટને એમ પણ કહ્યું હતું કે મને વિશ્વાસમાં લીધા વગર જ પાર્ટીએ વિધાયક દળની બેઠક બોલાવી એ મારું અપમાન છે અને અપમાનિત હાલતમાં પાર્ટીમાં રહેવું મારા માટે મુશ્કેલ બની રહેશે.  
આજે સવારે જ અમરિંદર સિંહે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને ફોન કરીને પોતાની રજૂઆત કરીને બપોર બાદ રાજ્યપાલને મળીને રાજીનામું સુપરત કર્યું હતું. અમરિંદર સિંહે જણાવ્યું હતું કે કૉંગ્રેસ પક્ષની જવાબદારીમાં ગત બે મહિનાથી મારું ત્રણ વાર અપમાન થયું છે. તમામ વિધાનસભ્યોને દિલ્હીમાં બે વાર બોલાવ્યા હતા. ચંડીગઢમાં આજે વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી. પોતાના પ્રધાનો સાથે વાતચીત કર્યા બાદ મુખ્ય પ્રધાનપદેથી અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું. 
પંજાબ પછી હવે છત્તીસગઢમાં નેતૃત્વ પરિવર્તન?
પંજાબમાં નેતૃત્વ પરિવર્તનની ગૂંજ કોંગ્રેસ શાસિત છત્તીસગઢમાં સાંભળવા મળી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબમાં કેપ્ટનનું રાજીનામું લઈ આકરો નિર્ણય લીધો જેથી છત્તીસગઢમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. પંજાબમાં અમરિંદર-સિદ્ધુ વચ્ચે વિખવાદ ચાલતો હતો તેમ છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને મામલો દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ અનેકવાર આવી ચૂક્યો છે.
સિદ્ધુના ઈમરાન-બાજવા સાથેના સંબંધ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો : કૅપ્ટન      
રાજીનામુ આપ્યા બાદ અમરિંદરે સિદ્ધુ વિરુદ્ધ ભારે બળાપો કાઢી એલાન કર્યુ કે જો સિદ્ધુને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો તેઓ જાહેરમાં વિરોધ કરશે. તેમણે આરોપ લગાવ્યો કે સિદ્ધુને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તથા જનરલ બાજવા સાથે સારા સંબંધ છે. સિદ્ધુને મુખ્યમંત્રી બનાવવાની સંભાવનાને તેમણે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણાવ્યો હતો. મુખ્યમંત્રી બનશે તો સિદ્ધુ રાજ્યનો ઘોર ખોદી નાખશે. તે પંજાબ સાથે કંઈક ભયાનક હશે.
અમરિંદર સિંહે રાજ ભવનની બહાર જણાવ્યું હતું કે પક્ષ જેના પર ભરોસો કરે છે તેને પંજાબના મુખ્ય પ્રધાન બનાવી શકે છે. મારા પર શંકા કરવામાં આવી હતી અને અપમાનિત હાલતમાં મારે પક્ષમાં રહેવું મુશ્કેલ છે. મારા વિશ્વાસુ સાથીઓ સાથે વાતચીત કરીને આગળ શું કરવું એ વિચારીશ.
એક ટીવી ચૅનલ સાથેની વાતચીતમાં કૅપ્ટને કહ્યું હતું કે, નવજોત સિદ્ધુ સ્વકેન્દ્રી અને સ્વાર્થી રાજકારણી છે. તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના મિત્ર છે અને લશ્કરી વડા જનરલ બાજવાને પણ ભેટવા ગયા હતા. તેમને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ છે, પરંતુ પાકિસ્તાનની સેનાને ભારત પ્રત્યે કોઈ જ પ્રેમ નથી. મારી સુરક્ષાની મને ચિંતા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer