પુઢચ્યા વર્ષી લવકર યા, આજે ગણપતિ વિસર્જન

પુઢચ્યા વર્ષી લવકર યા, આજે ગણપતિ વિસર્જન
સંદિગ્ધ આતંકવાદી પકડાયાના પગલે મુંબઈમાં હાઈ ઍલર્ટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : રવિવારે અનંત ચતુર્દશી નિમિત્તે સમગ્ર મુંબઈમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ બાદ પોલીસ કોઈ બાંધછોડ કરવા માગતી નથી.
મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડે શુક્રવારે દિલ્હી પોલીસે કથિત આતંકવાદી હુમલા મામલે પકડેલી એક વ્યક્તિએ આપેલી જાણકારીના પગલે મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. રવવારે ગણપતિ વિસર્જન છે, પરંતુ કોરોના વાયરસના પગલે વિસર્જનની ઓળખ જેવા સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસના પ્રવક્તા, ડીસીપી એસ. ચૈતન્યએ શનિવારે જણાવ્યું કે, મહત્ત્વપૂર્ણ સ્થળો ખાતે સુરક્ષા વધારવામાં આવી છે. ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની સાથે વિસર્જનના સ્થળે ભારે પાલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, કોઈપણ ઘટનાને પહોંચી વળવા વધારાની લાઇટ્સ, ક્રેન, સ્વિમર્સ/લાઇફ ગાર્ડ્સ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને તૈયાર રાખવામાં આવ્યાં છે. ડીસીપીએ જણાવ્યું કે, સૌથી વધુ અધિકારીઓ અને સ્થાનિક આર્મ્સ અને અન્ય બ્રાન્ચીસના 1500 કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે.
આ સિવાય સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની ઓછામાં ઓછી ત્રણ કંપની, સીઆરપીએફની એક કંપની, 500 હૉમગાર્ડ્સ અને 250 કૉન્સ્ટેબલ તહેનાત રહેશે. પોલીસ ચોપડે નોંધાયેલા ગુનેગારો અને મહત્ત્વનાં સ્થળો તેમ જ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહી છે.
રેલવે પોલીસના કમિશનર (મધ્ય રેલવે) કૈસર ખાલેદે જણાવ્યું હતું કે કોઈ અઘટિત ઘટના ન બને એ માટે રેલવે પોલીસ સાત હજાર સીસીટીવી કેમેરાથી રેલવે સ્ટેશનો પર નજર રાખશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer