કોરોના : નવા 35,662 સંક્રમિતો, સારવાર લેતા દર્દીઓ વધ્યા

કોરોના : નવા 35,662 સંક્રમિતો, સારવાર લેતા દર્દીઓ વધ્યા
નવી દિલ્હી, તા. 18 : ચાર દિવસથી ભારતમાં ફરી સંક્રમણના સર્પે ફુંફાડો મારવા માંડયો છે. દેશમાં શનિવારે 35,662 નવા દર્દી ઉમેરાયા હતા. જો કે, નવા દર્દીની સાથે સાજા દર્દીની સંખ્યા પણ વધી રહી છે.
ભારતમાં દર્દીઓનો કુલ્લ આંક 3.34 કરોડને પાર કરી 3,34,17,390 થઈ ગયો છે. તો આજે કોરોનાએ વધુ 281 દર્દીને કાળનાં મુખમાં ધકેલી દેતાં કુલ્લ 4,44,529 દર્દી જાન ગુમાવી ચૂકયા છે.
વધુ 1583 કેસના વધારા બાદ આજની તારીખે 3,40,639 દર્દી સારવાર લઈ રહ્યા છે. સક્રિય કેસોનું પ્રમાણ 1.02 ટકા છે.
ભારતના વિવિધ ભાગોમાં 24 કલાક દરમ્યાન વધુ 33,789 સંક્રમિતોના ચીની વાયરસની ચુંગાલમાંથી છુટકારા બાદ સંક્રમણમુક્ત દર્દીઓની સંખ્યા 3.26 કરોડને આંબી 3 કરોડ 26 લાખ, 32,222 થઈ ગઈ છે.
સાજા થયેલા દર્દીઓનો દર અર્થાત રિકવરી રેટ વધીને 97.65 ટકા થઈ ગયો છે, તો સંક્રમણનો દૈનિક દર પણ વધીને 2.02 ટકા થઈ ગયો છે.
દેશમાં અત્યાર સુધી પપ કરોડથી વધુ ટેસ્ટ થઈ ચૂકયા છે, તો ગઈકાલે શુક્રવારે રસીકરણના વિશ્વ વિક્રમ બાદ 79.42 કરોડથી વધુ લોકોને રસીનું સુરક્ષા કવચ મળી ચૂકયું છે.
આજે થયેલા કુલ્લ 281માંથી કેરળમાં 131 મોત થયાં છે. તો મહારાષ્ટ્રમાં 67 દર્દીને કોરોના રૂપે કાળ આંબી ગયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer