નૈસર્ગિક 73 સહિત વિસર્જનનાં 246 સ્થળોએ વ્યાપક વ્યવસ્થા

નૈસર્ગિક 73 સહિત વિસર્જનનાં 246 સ્થળોએ વ્યાપક વ્યવસ્થા
વિઘ્નહર્તાની વિદાય માટે મુંબઈ સજ્જ
વૃદ્ધો અને બાળકોને વિસર્જનમાં સામેલ નહીં થવાની સલાહ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 18 : આવતા રવિવારે અનંત ચતુર્દશી નિમિત્તે ગણપતિના વિસર્જન માટે મહાનગર પાલિકા સજ્જ છે. પાલિકાના 24 વૉર્ડમાં લગભગ 25 હજારથી વધુ કર્મચારીઓ મુંબઈમાં ગણેશ વિસર્જન સુપેરે પાર પડે એ માટે વિવિધ ઠેકાણે ફરજ બજાવશે. મહાપાલિકાએ 173 ઠેકાણે કુત્રિમ તળાવ બનાવ્યાં છે તો 73 નૈસર્ગિક સ્થળોએ વિસર્જન કરી શકાશે. કૃત્રિમ વિસર્જન સ્થળે 715 જીવ રક્ષકો (લાઇફ ગાર્ડ)ની નિમણૂક કરી છે. નૈસર્ગિક વિસર્જન સ્થળે 587 સ્ટીલ પ્લેટની વ્યવસ્થા કરી વાહન માર્ગ તૈયાર કરાયો છે. આ ઉપરાંત 338 નિર્માલ્ય કલશ, 182 નિર્માલ્ય વાહન, 185 નિયંત્રણ કક્ષ, 144 પ્રાથમિક સારવાર કેન્દ્ર, 39 એમ્બ્યુલન્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. 145 સ્વાગત કક્ષ, 84 કામચલાઉ શૌચાલય, 3707 ફલડ લાઇટ, 116 સર્ચ લાઇટ, 48 વોચ ટાવર અને નૈસર્ગિક વિસર્જન સ્થળે 36 મોટર બોટ, 30 જર્મન તરાપા વગેરે સેવા સુવિધા તથા સાધનસામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. વિસર્જન સ્થળે આવતા તમામ ગણેશ ભકતોએ માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવું ફરજિયાત છે.  વર્ષ 2021ના ગણેશોત્સવ દરમિયાન ભીડ જમા કરવાની મંજૂરી નથી. પારિવારિક ગણપતિ સાથે પાંચ જણને તો સાર્વજનિક ગણેશ મંડળ સાથે દસ જણને વિસર્જન સ્થળે જવાની પરવાનગી છે.કોરોનાની રસીના બંને ડૉઝ લીધેલી વ્યકિતઓને જ વિસર્જન સ્થળે જવાની મંજૂરી છે એમ પાલિકાએ જણાવ્યું હતું.
મુંબઈ પાલિકા દ્વારા વૃદ્ધો અને બાળકોને કોરોનાના સંક્રમણથી બચાવવા ગણપતિના વિસર્જનના સરઘસમાં સામેલ નહીં થવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
`લાલબાગચા રાજા'નું આજે થશે વિસર્જન
`લાલબાગચા રાજા' અને ગણેશ ગલીના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે જ થશે. `લાલબાગચા રાજા'ના વિસર્જનનું સરઘસ સામાન્યપણે 21 કલાક સુધી ચાલતું હોય છે. જોકે, આ વખતે ગણપતિના વિસર્જનની શરૂઆત બપોરે થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer