સમન્સ પાઠવ્યા છતાં અનિલ દેશમુખ હાજર થતાં નહીં હોવાથી ઈડી હાઈ કોર્ટમાં

સમન્સ પાઠવ્યા છતાં અનિલ દેશમુખ હાજર થતાં નહીં હોવાથી ઈડી હાઈ કોર્ટમાં
મુંબઈ, તા. 18 (પીટીઆઈ) : હવાલા કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે માજી ગૃહપ્રધાન અને રાષ્ટ્રવાદીના આગેવાન અનિલ દેશમુખને અત્યાર સુધી પાંચ સમન્સ મોકલ્યા છે અને એકેયવાર તેઓ ઈડી સમક્ષ હાજર થયા નથી. આને પગલે ઈડીએ શુક્રવારે અનિલ દેશમુખ સામે વિશેષ કોર્ટમાં અરજી કરી હતી. 
અનિલ દેશમુખ સમન્સનું પાલન કરતાં ન હોવાથી તેમની સામે ઈન્ડિયન પિનલ કોડની 174મી કલમ હેઠળ પગલાં લેવાની અરજીમાં ઈડીએ માગણી કરી છે. આ કલમમાં જેલની સાદી સજાની જોગવાઈ છે અને આ જેલની સજા એક મહિના માટે પણ વધારવાની એમાં જોગવાઈ છે. જેલની સજાની સાથે સાથે  500 રૂપિયોનો દંડ પણ આરોપીને ફટકારી શકાય છે. 
અનિલ દેશમુખના બે સહાયક સંજીવ પલાન્ડે અને કુન્દન શિંદેની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને અત્યારના આ બન્ને અદાલતી કસ્ટડીમાં છે. આ કેસમાં ઈડીએ તાજેતરમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી અને એમાં ડિસમિસ પોલીસ અૉફિસર સચીન વાઝેને પણ આરોપી બતાવાયા છે. જોકે, દેશમુખ કે તેમના પરિવારમાંથી કોઈને આરોપી બનાવાયા નથી. 
મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો કર્યા એ બાદ 21 એપ્રિલના સીબીઆઈએ દેશમુખ સામે કેસ ફાઈલ કર્યો હતો. આને પગલે ઈડીએ દેશમુખ સામે હવાલા પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. 
પરમબીર સિંહે એવો આક્ષેપ કર્યો હતો કે દેશમુખે સચીન વાઝેને મુંબઈના હોટેલ-બારમાલિકો પાસેથી દર મહિને 100 કરોડની વસૂલી કરવાની સૂચના આપી હતી. જોકે, અનિલ દેશમુખે આ આક્ષેપોનો ઈનકાર કર્યો છે. તેમણે ગૃહપ્રધાન પદેથી આ વર્ષે એપ્રિલમાં રાજીનામું આપી દીધું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer