દિલ્હીમાં છ આતંકવાદીની ધરપકડ બાદ મુંબઈના રેલવે સ્ટેશનોની સુરક્ષા વધારાઈ

જોગેશ્વરીના ઝાકિરને 20મી સુધી એટીએસ કસ્ટડી
મુંબઈ, તા. 18 (પીટીઆઈ): દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ભારતના વિવિધ વિસ્તારોમાંથી છ આતંકવાદીઓની ધરપકડ કર્યાના ચાર દિવસ બાદ મુંબઈનાં તમામ મોટાં રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. રેલવે પોલીસ કમિશનર ક્વાસર ખાલિદે જણાવ્યું કે અમુક સ્ટેશનોના એન્ટ્રીએક્ઝિટ ગેટ બંધ કરવામાં આવ્યા છે. આ તમામ સ્ટેશનો પર સાત હજાર કેમેરા લગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસના અભિયાન બાદ મહારાષ્ટ્રની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)એ શુક્રવારે રાત્રે મુંબઈના જોગેશ્વરી ખાતે ઝાકિર નામની વ્યક્તિની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. તેને અદાલતમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે તેને 20મી સપ્ટેમ્બર સુધી એટીએસની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી અને ઉત્તર પ્રદેશથી જાન મોહમ્મદ શેખ (47) ઉર્ફે સમીર, ઓસામા (22), મૂળચંદ (47), જીશાન કમર (28), મોમ્મદ અબુ બકર (23) અને મોહમ્મદ આમિર જાવેદ (31) નામના આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલાઓમાંથી ઓસામા અને કમર પાકિસ્તાનમાં ટ્રેનિંગ લઈ ચૂકેલા આતંકવાદીઓ છે, જેઓ ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના આદેશો પર કામ કરતા હતા. તેમને આઈઈડી લગાવવા માટે દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશના યોગ્ય સ્થળોને શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે છ આતંકવાદીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે જાન મોહમ્મદ શેખ મુંબઈના ધારાવીનો રહેવાસી છે. તેમની સઘન પૂછપરછ દરમિયાન ઝાકિરનું નામ બહાર આવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer