મહારાષ્ટ્રના 14 જિલ્લાઓમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા પચાસથી ઓછી

કોવિડ-19ની બીજી લહેરના અંતનો સંકેત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રના 14 જિલ્લાઓમાં કોવિડ-19ના ઍક્ટિવ કેસની સંખ્યામાં પચાસ કરતા ઓછી હોવાનું જણાવાયું છે. એમાંય સાત જિલ્લામાં સિંગલ ડિજિટમાં હોવાનું સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓના આધારે કહી  શકાય કે કોવિડ-19ની બીજી લહેરનો અંત આવી રહ્યો છે.
રાજ્યના ડિસીઝ સર્વિલન્સ અૉફિસર ડૉ. પ્રદીપ આવટેએ જણાવ્યું કે જળગાવ, નંદુરબાર, ધઉળે, નાંદેડ, વર્ધા, યવતમાળ, બુલઢાણા અને ભંડારા જેવા જિલ્લાઓમાં સિંગલથી ડબલ ડિજિટ જેટલા ઍક્ટિવ કેસીસ છે. આ જિલ્લાઓમાં  કોવિડ-19ના નવા કેસમાં ઘટાડો થતાં સક્રિય કેસ પણ ઘટી રહ્યા છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઍક્ટિવ કેસની સંખ્યા સોની નીચે છે. હવે માત્ર આઠ-નવ જિલ્લાઓમાં ઍક્ટિવ કેસ વધુ જોવા મળે છે, એમ ડૉ. આવટેએ જણાવ્યું હતું.
વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ, પોઝિટિવિટી રેટ સતત પાંચ ટકાથી ઓછો હોવાને કારણે, મહામારી નિયંત્રણમાં હોવાનું માની શકાય છે. છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયાથી રાજ્યમાં પોઝિટિવિટી રેટ 2.5 થી 2.6 ટકા જોટલો રહ્યો છે. એ હિસાબે મહારાષ્ટ્રમાં બીજી લહેરનો અંત આવી રહ્યો હોવાનું કહી શકાય, એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ જણાવ્યું કે, રાજ્ય હવે એક એવા દોરમાં આવી રહ્યું છે જેમાં અનેક જિલ્લા કોવિડ મુક્ત થઈ શકે છે, જે સારા સંકેતની નિશાની છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer