બેસ્ટ 53 રેલવે સ્ટેશનો સુધીની ફીડર બસ સેવા ચાલુ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : 53 રેલવે સ્ટેશનો ખાતેથી ફીડર (સહાયક) બસ સેવા ચાલુ કરવાની બેસ્ટની યોજના છે. 
બેસ્ટ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું કે, 2019માં ભાડાં ઘટાડવામાં આવ્યાં ત્યારથી બસના 60 ટકા જેટલા પ્રવાસીઓ 5 કિલોમીટર કરતાં ઓછા અંતરનો પ્રવાસ કરવાનું પસંદ કરે છે, જે બસનું લઘુતમ ભાડું હોય છે. આ વાતને ધ્યાનમાં લઈને બેસ્ટ 53 રેલવે સ્ટેશનો ખાતેથી ટૂંકા અંતરના રૂટ અને ફીડર રૂટ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.
બેસ્ટ અૉફિસે જતાં પ્રવાસીઓ કે જેઓ 10થી 15 કિલોમીટર સુધીનો પ્રવાસ કરે છે તેમના માટે કૉરિડોર રૂટ્સ ચલાવે છે. જેથી તેઓ 15 મિનિટની બસની ફ્રિક્વન્સી સાથે તેમની અૉફિસે પહોંચી શકે. 1 સપ્ટેમ્બરથી આવા 27 રૂટ્સ ચાલુ કરવામાં આવ્યા હતા.
ઉત્તરથી દક્ષિણની દિશામાં જતાં 15 કિલોમીટરથી વધુના ઘણાં રૂટ્સ ઘટાડી દેવામાં આવ્યા છે અને માત્ર ઈમર્જન્સીમાં તેમને ફરીથી દાખલ કરવામાં આવે છે.
અમે 10થી 15 મિનિટની ફ્રિક્વન્સી જાળવવા રૂટ્સ (માર્ગો)માં ફેરફારો કર્યા છે, એમ બેસ્ટના જનરલ મૅનેજર લોકેશ ચંદ્રે જણાવ્યું હતું. હાલ બેસ્ટની બસોમાં દરરોજ સરેરાશ 25.2 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. જેમાંના 15.1 લાખ પ્રવાસીઓ ટૂંકા રૂટ્સ પર પ્રવાસ કરવાનું પસંદ કરે છે. `બેસ્ટ'ની બસોનું વર્તમાન ભાડું નીચે મુજબ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer