બેતરફી વધઘટ ધરાવતાં બજારમાં રોકાણકારો આક્રમક ખરીદીથી દૂર રહે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો દર અઠવાડિયે નવી ટોચને સર કરી રહ્યા છે. ભારતીય શૅરબજારોએ માર્કેટ કૅપિટલાઈઝેશનની દૃષ્ટિએ ફ્રાન્સને પણ પાછળ મૂકીને વિશ્વમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. સપ્ટેમ્બરના 15 દિવસમાં જ નિફ્ટી 50 સૂચકાંક ત્રણ ટકા વધ્યો હતો જ્યારે એસઍન્ડપી 500 અને હેંગ સેંગ અનુક્રમે એક ટકા અને ચાર ટકા ઘટયા હતા. વિવિધ આર્થિક પરિબળોને લીધે સ્થાનિક શૅરબજાર અને વૈશ્વિક શૅરબજારો વચ્ચે આ તફાવત ઊભો થયો છે, એમ સેમકો વેન્ચર્સના સીઈઓ જિમીત મોદીએ તેમની સાપ્તાહિક સમીક્ષામાં જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, કોરોના વાયરસના ડેલ્ટા વેરિયેન્ટમાં વધારો થતાં અમેરિકામાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાયું છે. ઉપરાંત કૉર્પોરેટ ટૅક્સમાં વધારો થશે એ ચિંતાએ દર મહિને ગ્રાહક ફુગાવામાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ચીનમાં રિટેલ વેચાણ ઘટયું છે અને ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટતાં અર્થતંત્રમાં સુધારો થશે કે નહીં એ પ્રશ્ન ઊભો થયો છે. ભારતીય શૅરબજારો વૈશ્વિક બજારોને અનુસરે છે, પરંતુ આ વખતે એવું બન્યું નથી. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રો માટે પીએલઆઈ સ્કીમને લીધે ભારતમાં રોકાણકારો આશાવાદી બન્યા છે. અૉગસ્ટના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આંકડાએ પણ સમયસર રાહત આપી છે. તેમ છતાં વૈશ્વિક બજારો વચ્ચેનો ફરક લાંબો સમય રહેશે નહીં. જ્યાં સુધી રોકાણકારો પૉઝિશન વધારતા રહેશે ત્યાં સુધી જ આ ફરક રહેશે.
ટેક્નિકલ દૃષ્ટિએ નિફ્ટી 50 સૂચકાંક સકારાત્મક બંધ રહ્યો છે, પરંતુ ટ્રેડિંગ સેશનમાં રિવર્સલ બારનું નિર્માણ કર્યું છે. બજારમાં વધુ પડતી ખરીદી હોવાથી ટૂંકા ગાળામાં રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરશે તો ઘટાડો થશે. જોકે, બજારનું એકંદર ચિત્ર તેજી દર્શાવે છે. નિફ્ટી જ્યાં સુધી 17,500ની સપાટી પાર ન કરે ત્યાં સુધી તેજી રહેશે. જો આ સ્તર ગુમાવશે તો તેજીને બ્રેક લાગશે. પ્રતિકારનું પહેલું સ્તર 17,400 અને તે પછી 17,900 રહેશે. આગામી સપ્તાહમાં રોકાણકારોની નજર યુએસ ફેડરલની એફઓએમસી મિટિંગ ઉપર રહેશે. આ મિટિંગ બાદ રોકાણકારો માટે ભાવિ ચિત્ર સ્પષ્ટ થશે. આ વર્ષે ફેડ દ્વારા બોન્ડની ધીમી ખરીદીના કારણે રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. હવે વ્યાજદરથી વૈશ્વિક બજારોની દિશા તે નક્કી કરશે. એવી અપેક્ષા છે કે નીતિ ઘડનારાઓ ફુગાવા અને ડેલ્ટા વેરિયેન્ટની તીવ્રતાને ધ્યાનમાં રાખીને યોજના બનાવશે. તેથી રોકાણકારોને સલાહ છે કે બેતરફી વધઘટ ધરાવતાં બજારમાં આક્રમક ખરીદી ન કરે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer