વૅક્સિનેશનના વિક્રમ પર વિશ્વ ઓળઘોળ

અમેરિકા, બ્રિટન સહિત દેશોના મીડિયાએ ભારતની સફળતાને વધાવી
નવી દિલ્હી, તા. 18 : માત્ર એક દિવસમાં અઢી કરોડથી વધુ લોકોને રસીકરણના વિક્રમની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ પણ ભારતની આ સફળતાને વધાવી લીધી છે.
`ન્યૂયોર્ક ટાઈમ્સ'ના લેખમાં નોંધાયું છે કે, ભારતની વિશાળ આબાદીને રસીકરણનો વ્યાયામ શુક્રવારે સીમાચિહ્નને સ્પર્શ્યો છે.
શરૂઆતના કેટલાક આંચકામાંથી ઉગરી ગયા બાદ ભારતનું રસીકરણ અભિયાન પુન: પાટે ચડી જઈને વેગવાન બન્યું છે. એક મોટા પડકારને ભારતે ઝીલી લીધો છે, તેવું લેખ નોંધે છે.
બીજીતરફ, બ્રિટિશ મીડિયા જૂથ બીબીસી અને ઈન્ડિપેન્ડન્ટ દ્વારા પણ રસીકરણના ભારતીય વિક્રમની પ્રશંસાપૂર્વક નોંધ લેવાઈ છે.
ઈન્ડિપેન્ડન્ટના લેખમાં જણાવાયું છે કે, આ રસીકરણ અભિયાન સાતમી ઓક્ટોબરના ખતમ થશે, જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 વર્ષ પહેલાં પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
સમાચાર એજન્સી રોયટર્સે આ રસીકરણના વિક્રમને ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જન્મદિનની ભેટ ગણાવી હતી.
અન્ય સમાચાર એજન્સી એએફપીના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં વિક્રમી રસીકરણ માટે આરોગ્ય મથકો ઉપરાંત, શોપિંગ મોલ જેવી જગ્યાઓ પર પણ કેમ્પો ધમધમ્યા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer