અમેરિકી કંપનીઓને વાયબ્રન્ટ સમિટનું ઈજન

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત યુ.એસ.એ.ના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝ એ ગાંધીનગરમાં લીધી હતી. ડેવિડ રેન્ઝ યુ.એસ.એના કોન્સ્યુલેટ જનરલ તરીકે ભારતના પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કામગીરી વિસ્તાર ધરાવે છે. ડેવિડ રેન્ઝ પૂર્વે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડોદરા અને અમદાવાદની મુલાકાત લઇને ગાંધીનગર આવેલા હતા.  
ભૂપેન્દ્ર પટેલે ડેવિડ રેન્ઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિણામે હવે દેશના જ નહિ, વિદેશોના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા થયા છે. વિકાસ કરવા સાથોસાથ પર્યાવરણ જાળવણી સાથે આકાર પામેલું આ એસઓયુ પરિસર સ્થાનિક લોકોને રોજગારી આપનારું એક પ્રજાહિત કાર્યનું ધામ બન્યું છે. ગુજરાત અમેરિકા વચ્ચેના વ્યાપારિક, આર્થિક સંબંધોના સુદ્રઢ સેતુની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં યુ.એસ.એ માંથી 11.36 અબજ યુ.એસ.ડોલરનું મૂડીરોકાણ આવ્યું છે. 
શ્રી પટેલે યુ.એસ.એ કોન્સ્યુલેટ જનરલને ખાસ કરીને કચ્છમાં 30 હજાર મેગાવોટનો જે હાઇબ્રીડ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે તેમાં તેમજ ગિફટ સિટીમાં યુ.એસ.એ.ની બાંકિંગ અને નાણાકીય સંસ્થાઓ વધુ પ્રમાણમાં આવે તેવું ઇંજન પાઠવ્યું હતું. યુ.એસ.એ.ના કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝએ ગુજરાત સાથેના વ્યાપારિક વાણિજ્યિક સંબંધો અને ગુજરાતમાં કાર્યરત યુ.એસ. કંપનીઓને મળી રહેલા સરકારના પોઝિટિવ એપ્રોચ માટે આભાર દર્શાવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer