એમટીએનએલ : ફરીવાર મેરા ટેલિફોન નહીં લગતા ની ફરિયાદો

અૉફિસો, બજારો ખુલ્યાં પરંતુ લૅન્ડલાઇન ફોન તથા મેન્ટનન્સ માટે સ્ટાફ નથી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : કોરોનાના કેસો ઘટયા બાદ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બજારો ધીમે-ધીમે ખુલી રહી છે અને અૉફિસોમાં ધીમો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે પરંતુ એમટીએનએલના લેન્ડલાઇન ફોન ડેડ હોવાથી કેટલાક વ્યવહારો હજુએ લૉક છે. મુંબઈમાં અસંખ્ય ફોન ડબલાં બની ગયા છે અને તેમની ફરિયાદ પણ કોઇ સાંભળવાવાળું નથી, મુંબઈગરાઓની એવી વ્યાપક ફરિયાદ છે. 
મોબાઇલ ફોનના યુગમાં પણ હજુ વેપારી વર્ગ અને અૉફિસોમાં અને ખાસ કરીને સરકારી કાર્યાલયોમાં લેન્ડલાઇન ફોન એક વિશ્વાસપાત્ર સંવાદનું માધ્યમ છે, એની અધિકૃતતા મોબાઇલ ફોનથી વધુ છે. પરંતુ છેલ્લાં બે-ચાર વર્ષથી બીએસએનએલ (ભારત સંચાર નિગમ લિમિટેડ) અને ખાસ તો મુંબઈ અને દિલ્હીમાં ફોન સર્વિસ આપતી એમટીએનએલ (મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ) ખાનગી  મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ સામે વામણી બની રહી છે. એમટીએનએલના મોટા ભાગના અધિકારીઓ સ્વૈચ્છીક નિવૃત્તિ લઇ ચૂક્યા છે અને કેટલાય ખાનગી કંપનીઓમાં મોટા હોદ્દાઓ પર બેસી ગયા છે. એમટીએનએલમાં જે કર્મચારીઓ બચ્યા છે, એમને જાણે કે કંઇ પડી જ નથી.
મોટા ભાગના અખબારો અને ખાનગી કંપનીઓ અને સરકારી અૉફિસોમાં તેમ જ બજારોમાં મોટા ભાગના સંવાદ અને વહેવારો લેન્ડલાઇન ફોનના માધ્યમથી થાય છે. પરંતુ લેન્ડલાઇન ફોન બંધ પડયા છે. અૉનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ એમટીએનએલ તરફથી કોઇ પ્રતિસાદ મળતો નથી અને ફોન રિપેરિંગ કરનારા પોતાના સમયે અને શરતે ફોન રિપેર કરી જાય છે. પરંતુ એમટીએનએલની લાઇનમાં ખરાબી હોય તો એનો કોઇ ઉકેલ નથી. એમટીએનએલના મેન્ટનન્સ ડિપાર્ટમેન્ટમાં પૂરતો સ્ટાફ નથી એવું જાણવા મળ્યું છે. એક સમયે પ્રતિષ્ઠાનું પ્રતિક ગણાતો લેન્ડલાઇન ફોન હવે માથાનો દુખાવો બની રહ્યો છે અને તેને જાળવી રાખવા દર મહિને નિશ્ચિત રકમ તો ભરવી જ પડે એટલે એ હવે ઘોળા હાથી પણ બની રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer