મહારાષ્ટ્ર સહિત મોટા ભાગનાં રાજ્યો બે વર્ષથી વેપારી કલ્યાણ બોર્ડ રચવાનું ટાળે છે : કૈટ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : કેન્દ્ર સરકારે છેક 26 જુલાઈ, 2019માં દરેક રાજ્યમાં રાષ્ટ્રીય વેપારી ક્લ્યાણ બોર્ડની સ્થાપના કરવાની સૂચના આપી હતી, પણ હજી સુધી ગણ્યાગાંઠ્યાં રાજ્યો સિવાય બાકીનાં રાજ્યોએ આ સૂચનાનો અમલ કર્યો નથી. 
કેન્દ્રએ આ બોર્ડમાં વેપારીઓના સંબંધિત મંત્રલયોના અધિકારીઓ તેમ જ વેપારી સંગઠનોના પ્રતિનિધિનો સમાવેશ કરવા કહ્યું છે. કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના આંતરિક વેપાર વિભાગ દ્વારા 26 જુલાઈ 2019ના આ સૂચના બહાર પાડવામાં આવી હતી. 
કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે 2019થી લઈ અત્યાર સુધી અમે મહારાષ્ટ્ર સહિત દરેક રાજ્યને આ બોર્ડ સ્થાપિત કરવા માટે સ્મરણ કરાવ્યું છે, પણ કમનસીબે મોટા ભાગનાં રાજ્યોએ હજી સુધી એનો અમલ કર્યો નથી. બોર્ડ સ્થાપિત થઈ જાય તો ગંભીર સમસ્યામાં સપડાયેલા વેપારીઓને ન્યાય મળી શકે છે.   
કેટના મહાનગર મહામંત્રી તરુણ જૈને કહ્યું હતું કે અત્યારે વેપારીઓને તેમની સમસ્યાના ઉકેલ માટે અલગ અલગ મંત્રાલયમાં ધક્કા ખાવા પડે છે. જો વેપારી કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ જાય તો વેપારીઓની બધી સમસ્યાનો ઉકેલ માત્ર એક જ સ્થળે આવી શકે છે. 
કેટના મહાનગર ચૅરમૅન રમણીક છેડાએ કહ્યું હતું કે કોરોના કાળમાં વેપારીઓ આર્થિક અને માનસિક સંકટમાં ફસાયા છે. ઘણાએ આપઘાત પણ કર્યા છે. સંકટના આ સમયમાં સરકારે પણ કોઈ મદદ કરી નથી. 2019ની કેન્દ્રની બોર્ડની સ્થાપનાની સૂચનાનો જો રાજ્યોએ અમલ કર્યો હોત તો સંકટને હળવું કરી શકાયું હોત. વેપારીઓ આંદોલન કરતાં નથી એટલે સરકારને એમની ફિકર નથી, પણ જે આંદોલન કરે છે એની સામે સરકાર નમી જાય છે. વેપારી આંદોલન નથી કરતાં એટલે તેમને ન્યાય મળતો નથી. 
કેટના મહાનગર વાઈસ ચૅરમૅન દિલીપ માહેશ્વરીએ કહ્યું હતું કે જે રાજ્યોમાં બોર્ડની સ્થાપના થઈ છે. અમે મહારાષ્ટ્ર સરકારને પણ કેન્દ્ર સરકારની બોર્ડ સ્થાપવાની સૂચનાનો અમલ કરવાની વિનંતી કરીએ છીએ અન્યથા અમે આંદોલનનો માર્ગ અપનાવીશું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer