આખી સરકાર બદલવાનાં પગલાંને સાહસી ગણાવતી શિવસેના

મોદી છે તો સંભવ છે! : `સામના'
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : ભાજપ અંગે શિવસેનાએ પોતાના મુખપત્ર `સામના'માં કટાક્ષ કર્યો છે. `સામના'માં પ્રકાશિત થયેલા લેખ મુજબ જે.પી. નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદથી પાર્ટીમાં સતત બદલાવ થઈ રહ્યા છે. `સામના'ના સંપાદકીયનું શિર્ષક આપવામાં આવ્યું છે કે `ગુજરાતનો ઝટકો અને ખૌફ... મોદી છે તો સંભવ છે.'
લેખમાં વધુમાં લખ્યું છે કે  વડા પ્રધાન મોદીનાં મનમાં જે કંઈ છે તે તેઓ નડ્ડા દ્વારા કરાવી રહ્યા છે. નડ્ડા દ્વારા ઉત્તરાખંડ અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બદલી નાખવામાં આવ્યા. ગુજરાતના મુખ્ય પ્રધાન પણ એક ઝટકામાં બદલી નાખવામાં આવ્યા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર વિધાનસભ્ય બનેલા નેતા છે પરંતુ હવે મોદી અને નડ્ડાએ એવો આંચકો આપ્યો છે કે રાજકારણમાં કંઈ પણ અસંભવ નથી. વિજય રૂપાણી પ્રધાનમંડળમાં સામેલ તમામ પ્રધાનોને મોદી તથા નડ્ડાએ ઘેર બેસાડી દીધા છે. 
આગામી વિધાનસભા ચૂંટણીમાં આ અસંતોષનો ઝટકો લાગશે અને ગુજરાત ભાજપનો ફજેતો થશે. તેનું અનુમાન લાગતાં જ પહેલા રૂપાણીને તેમના પ્રધાનમંડળ સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા પરંતુ નેતૃત્વને સંપૂર્ણ બદલવા જતાં પાટીદાર સમાજના નેતા નીતિન પટેલને પણ નાયબ મુખ્ય પ્રધાન પદેથી હટાવી નાખવામાં આવ્યા છે. `સામના' અનુસાર નવા પ્રધાનમંડળની આ રીતે રચના કરવાનું સાહસી કામ મોદી જ કરી શકે છે. મોદી હવે 70 વર્ષના થઈ ગયા છે અને તેમનાં પગલાં વધુ દમદાર રીતે આગળ વધી રહ્યાં છે. રસ્તામાં આવતાં કાંટાઓને તે ખૂદ જ સાફ કરી રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer