મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું રાજીનામું, આજે નવા નેતાની જાહેરાત

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું રાજીનામું, આજે નવા નેતાની જાહેરાત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી 
અમારા પ્રતિનિધિ દ્વારા
અમદાવાદ,  તા. 11: વિજય રૂપાણીએ ગુજરાતના  મુખ્ય પ્રધાનપદેથી આજે અચાનક રાજીનામું આપી દેતાં રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના સવા વર્ષ પૂર્વે જ શ્રી રૂપાણીએ સી. મુખ્ય પ્રધાનની ખુરશી છોડતાં (કે છોડવી પડતાં) રાજકીય ગરમાશે આવ્યો?છે અને નવા મુખ્ય પ્રધાન કોણ તેની અટકળો ચોમર ચર્ચાઇ રહી છે. કમલમમાં ભાજપના ટોચના નેતાઓની બેઠકોનો દોર શરૂ થયો છે અને રાજ્યના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાની સૂચના અપાઇ છે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ રાત્રે ગાંધીનગર આવી રહ્યા છે ત્યારે આવતીકાલે  નવા મુખ્ય પ્રધાનની જાહેરાત થશે, એવું જણાઇ રહ્યું છે.
ગુજરાતના નવા સંભવિત મુખ્ય પ્રધાનના નામોમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને પાટીદાર નેતા મનસુખ માંડવિયા, વિદાયમાન સરકારના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને એક સંભવિત નામ તરીકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને પાટીદારોમાં વર્ચસ્વ ધરાવતા નેતા ગોરધન ઝડફિયા, હાલમાં જ બિહાર ભાજપના સંગઠનપ્રધાન બનાવાયેલા ભીખુભાઇ દલસાણિયાનું નામ પણ અટકળોની બજારમાં વહેતું થયું છે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાસંદ સી.આર.પાટીલનું નામ પણ એક તબક્કે વહેતું થયું હતું.  મળતી માહિતી મુજબ પૂર્વ ગૃહ પ્રધાન પ્રફુલ્લ પટેલ આશ્ચર્યજનક પસંદગી બની શકે છે. 
છેલ્લા ઘણા સમયથી મુખ્ય પ્રધાનને બદલવામાં આવશે તેવી અટકળોની વચ્ચે તાજેતરમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવી જાહેરાત કરી હતી કે, આગામી ચૂંટણીઓ રૂપાણીના નેતૃત્વમાં જ લડાશે અલબત્ત તેની જાહેરાતના થોડાક જ દિવસમાં રૂપાણીને રાજીનામું આપવું પડ્યું અથવા આપવાની ફરજ પડી હોય તેમ મનાય છે. રાજીનામું આપવા પાછળ એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે, ગુજરાતમાં શાસન વિરોધી લહેર તેમ જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સંગઠન સાથેના મતભેદો હોઇ શકે. આ ઉપરાંત કોરોના મહામારીને બીજી લહેરમાં ગુજરાતના લોકોને ભારે મોટી ખુવારી સહન કરવી પડી હતી અને સમગ્ર તંત્ર જાણે ખાડે ગયું હોય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી. ડેમેજ કંટ્રોલના ભાગરૂપે રૂપાણીના સ્થાને નવી સરકાર, નવા નિર્ણયો, નવી રાજકીય ઇનિંગ્સ દ્વારા ફરીથી ગુજરાતમાં સરકાર રચવાની રાજકીય કવાયત તેજ બની છે. 
આજે ગુજરાતમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજીનામાની ઘટના ભારતીય જનતા પાર્ટીની જે પણ રાજ્યોમાં સરકાર છે ત્યાં મુખ્ય પ્રધાન બદલવાની છેલ્લા છ મહિનામાં પાંચમી ઘટના છે. નોંધનીય બાબત એ છે કે, સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા. ગઇકાલે મોડી રાતે ભાજપના ઉચ્ચ સ્તરીય નેતાઓ ગુજરાત આવી પહોંચ્યા હતા.  જેમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાપ્રધાન બી.એલ. સંતોષ, ભાજપના પ્રભારી રત્નાકરનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક સરદાર ભવનનું અૉનલાઇન લોકાર્પણ કર્યા બાદ રૂપાણી કમલમ ખાતે પહોંચ્યા હતા ત્યાં ભાજપના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરીને દસ જ મિનિટમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત ભાજપના કેન્દ્રીય નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો મનસુખ માંડવિયા અને રૂપાલા સાથે તેઓ રાજભવન પહોંચ્યા હતા. રાજભવન ખાતે મુખ્ય પ્રધાન રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું સુપરત કર્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer