અમિત શાહની હાજરીમાં આજે બેઠક

અમિત શાહની હાજરીમાં આજે બેઠક
તમામ ધારાસભ્યોને બોલાવાયા
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આજે વિજયભાઇ રૂપાણીના રાજીનામા બાદ હવે નવા મુખ્ય પ્રધાન કોણ ?  તેને લઇને શેરબજારની જેમ ગુજરાત સહિત દેશ અને વિશ્વમાં નામો સંદર્ભે અટકળો ચાલી રહી છે. બીજી બાજુ ગુજરાતમાં સર્જાયેલી રાજકિય કટોકટીને લઇને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાત્રે અમદાવાદ આવી ગયા છે. તેઓ ગુજરાતની સમગ્ર રાજકિય પરિસ્થિતિની સમીક્ષા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરશે. જો કે, નવા મુખ્યમંત્રીનું નામ તો સંભવત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે નક્કી કરેલું હોવાનું મનાય છે. 
આવતીકાલ તા. 12 સપ્ટેમ્બરના  ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય દળની બેઠક મળનાર છે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રિય મંત્રીઓ મનસુખભાઇ માંડવિયા, પરસોત્તમભાઇ રૂપાલા, દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, ભાજપના મહામંત્રી બી.એલ. સંતોષ, પ્રભારી રત્નાકર સહિત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ આ બેઠકમાં હાજર રહેનાર છે. આ બેઠકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીનાં નામને લઇને ચર્ચા-વિચારણા હાથ ધરાશે. ધારાસભ્ય દળની બેઠક બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરશે ત્યારબાદ વડાપ્રધાન મોદીની લીલીઝંડી મળ્યા બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. દરમિયાન ગાંધીનગરમાં આવતીકાલ તા.12મીના રોજ મળનારી ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહેવા માટે ભાજપના તમામ ધારાસભ્યોને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer